રાજકોટ જિલ્લાના યાત્રાધામ વીરપુર ખાતે જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. વિકસિત ભારત – વિકસિત ગુજરાત 2047ના ધ્યેયને સાકાર કરવા તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ સામાન્ય નાગરિકોને એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવાના હેતુથી આ શિબિર યોજાઈ હતી. ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાએ આ પ્રસંગે ઉપસ્થિત રહી લોકોને વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતગાર કર્યા હતા.
આ વિશેષ શિબિર વીરપુર ગ્રામ પંચાયતના કોમ્યુનિટી હોલ ખાતે યોજાઈ હતી. તેનો મુખ્ય ઉદ્દેશ રાજકોટ જિલ્લા પંચાયતની 36-વીરપુર બેઠક હેઠળ આવતા વીરપુર, ખીરસરા, દેરડી, મોણપર, પીઠડીયા, સેલુકા, થોરાળા, ઉમરાળી, વાળાડુંગરા, હરીપર, જેપુર અને કાગવડ સહિતના ગામોના નાગરિકોને લાભ આપવાનો હતો.
જેતપુર-જામકંડોરણા વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વમંત્રી જયેશભાઈ રાદડીયાએ દીપ પ્રાગટ્ય કરીને શિબિરનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે આવા કાર્યક્રમોના મહત્વ પર ભાર મૂક્યો હતો.