જસદણ અને વીંછિયા પંથકના યુવાનોને સ્થાનિક કક્ષાએ જ રોજગારલક્ષી શિક્ષણ મળી રહે તે માટે જસદણ સરકારી ITI ખાતે ચાલુ શૈક્ષણિક વર્ષથી સમયની માંગને અનુરૂપ નવા આધુનિક કોર્સ શરૂ કરાયા છે.
કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા અને સંસ્થાના પ્રિન્સિપાલના પ્રયાસોથી આ મંજૂરી મળતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ છવાયો છે.
નવા ટ્રેડ શરૂ થતાં વિદ્યાર્થીઓને બદલાતી ટેક્નોલોજી મુજબ કૌશલ્ય આધારિત તાલીમ અને રોજગારીની વધુ તકો મળશે.
કયા નવા કોર્સ ઉમેરાયા? અત્યાર સુધી ચાલતા પરંપરાગત કોર્સ ઉપરાંત હવે સંસ્થામાં કોસ્મેટોલોજી (બ્યુટી પાર્લર), હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર, સર્વેયર (જમીન માપણી), સોલાર ટેકનીશિયન, મેકેનિક ઇલેક્ટ્રિક વિહિકલ (EV), ફાયરમેન અને કોમ્પ્યુટર હાર્ડવેર એન્ડ નેટવર્ક મેન્ટેનન્સ જેવા નવા ટ્રેડનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સંસ્થાના પ્રિન્સિપાલ રીનાબેન અને પ્રિન્સિપાલ કે. એન. ચુડાસમાએ જણાવ્યું હતું કે, વર્ષ 2009થી કાર્યરત આ આઇટીઆઇ આ પંથક માટે આશીર્વાદરૂપ બની છે. છેલ્લા માત્ર બે જ વર્ષમાં સંસ્થાના 500 થી વધુ વિદ્યાર્થીઓને પ્રતિષ્ઠિત કંપનીઓમાં નોકરી મળી છે, જ્યારે 380 થી વધુ યુવાનો પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરી આત્મનિર્ભર બન્યા છે.