રાજકોટના વકીલોએ એક મહિલા જજ સહિત બે જજોની કોર્ટનો બહિષ્કાર કરવા નિર્ણય કરી બાર એસોસીએશનના જનરલ બોર્ડમાં ખાસ ઠરાવ પણ કર્યો છે. રાજકોટ બાર એશોસીએશનની સામાન્ય સભા આજરોજ તારીખ 18 જૂન 2026ના રોજ મળી હતી જેમાં સર્વાનુમતે બહિષ્કાર કરવા ઠરાવ કરવામાં આવ્યો છે. રાજકોટમાં એક મહિલા સહિત બે બે જજો વિરૂદ્ધ લેખિત તેમજ મૌખિક ફરીયાદો મળી છે તે સંબંઘે રાજકોટના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ જજને અગાઉ વકીલો તેમજ રાજકોટ બાર એસોશિએશનના હોદેદારોએ પ્રશ્નોના નિવારણ અંગે રજુઆત કરી હતી પરંતુ, આમ છતા વકીલોના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા બન્ને જજોની કોર્ટનો બહિષ્કાર કરવા નિર્ણય કરવામાં આવ્યો છે.
બંને જજો વિરૂદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે રાજકોટ બાર એસોસિએશનની આજની સામાન્ય સભામાં ચર્ચા કરવામાં આવી હતી કે સિનિયર તથા જુનિયર વકીલો તરફથી ફરિયાદ મળી છે કે, ડી. ડી. શાહ મેડમ તથા એચ.એચ. ગુપ્તા સાહેબની કાર્ય પદ્ધતિ તેમજ વાણી, વર્તન અને વ્યવહારમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી માટે આ બંને જજો વિરૂદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. જેથી, આ બંને કોર્ટનો બહિષ્કાર કરવા અંગે રાજકોટ બાર એસોસિએશનને રજુઆત કરવામાં આવી છે, જેને ધ્યાનમાં લઇ સામાન્ય સભામાં હાજર તમામ સિનિયર તથા જુનિયર વકીલોની સર્વ સંમતિથી અને સર્વાનુમતે ઉપરોક્ત બંને જજોની કોર્ટમાં વકીલોના તમામ પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી અચોકકસ મુદત માટે બંને કોર્ટોનો બહિષ્કાર કરવાનુ સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું છે.
આ ઉપરાંત તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, બે કોર્ટોનો બહિષ્કાર કરવામાં આવ્યો હોવાથી વકીલોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ ન આવે ત્યા સુધી આ બંને કોર્ટોમાં હાલ પ્રોડકશન તેમજ અન્ય જે કોઈ ચાર્જ હોય તે લઈ લેવા તેમજ આ બંને કોર્ટોમાં ચાલતા કેસોમાં પક્ષકારોને નુકસાન ન જાય તે રીતે તમામ કેસોની યથાવત પરિસ્થિતિ જાળવવા તેમજ વકીલોની ગેરહાજરીમાં કોઈ કેસોમાં કોઈપણ જાતના હુકમો ન ફરમાવવા અંગેની રાજકોટના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ જજને રજુઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.