રાજકોટ ગ્રામ્ય LCB એ વિંછીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરમાળીયા દાદાના મંદિર નજીકથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ ₹6.60 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) અને રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર (IPS)ના માર્ગદર્શન હેઠળ દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલી ઝુંબેશના ભાગરૂપે આ કામગીરી કરવામાં આવી હતી.
LCB ટીમને મળેલી બાતમીના આધારે, સમઢીયાળા ગામ તરફથી વિંછીયા આવતી નંબર પ્લેટ વગરની સફેદ સ્વિફ્ટ કાર પર નજર રાખવામાં આવી હતી. કારને રોકતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે અમરેલીના રહેવાસી લાલજી ઉર્ફે અમિત મનસુખભાઈ ચૌહાણને ઝડપી પાડ્યો છે. આ દારૂનો જથ્થો મોટામાત્રા ગામના ઇશ્વર ઉર્ફે ઇસો ભવાનભાઈ બાવળીયાએ પૂરો પાડ્યો હોવાનું સામે આવતા તેને પણ આરોપી બનાવવામાં આવ્યો છે.
પોલીસે આરોપી પાસેથી જુદી જુદી બ્રાન્ડની કુલ 220 દારૂની બોટલો, એક મોબાઇલ ફોન અને સ્વિફ્ટ કાર સહિત કુલ ₹6.60 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મુખ્ય આરોપી ઇશ્વર ઉર્ફે ઇસો બાવળીયા સામે અગાઉ પણ પ્રોહિબિશન એક્ટ અને જુગાર ધારા હેઠળ અનેક ગુનાઓ નોંધાયેલા છે.