બાંગ્લાદેશના ગાયબંધા જિલ્લામાં 82 ફૂટ ઊંચી રામ પ્રતિમાનો પ્રોજેક્ટ કટ્ટરપંથી દબાણ બાદ રોકી દેવામાં આવ્યો છે. આ પ્રતિમા શ્રી શ્રી રાધા ગોવિંદ અને કાલી મંદિર પરિસરમાં બની રહી હતી. મંદિર સમિતિએ તેને સાંપ્રદાયિક સૌહાર્દ જાળવી રાખવા માટે અસ્થાયી રોક ગણાવી છે, પરંતુ તેનું અસલી કારણ કટ્ટરપંથી સંગઠનોનું દબાણ હોવાનું કહેવાય છે.
પ્રોજેક્ટનો વિરોધ કરી રહેલા કટ્ટરપંથી સંગઠનોએ અધૂરી સંરચના તોડી પાડવા સુધીની માગ કરી છે. ઇમામ-ઉલમા પરિષદે પ્રોજેક્ટ સંપૂર્ણપણે રદ કરવા, ભવિષ્યમાં આવી કોઈપણ પહેલ પર રોક લગાવવા અને ફંડિંગની તપાસ કરાવવાની માગ કરી છે.
જણાવી દઈએ કે આ નિર્માણ 2025ની શરૂઆતમાં ખાનગી ભંડોળથી શરૂ થયું હતું. પરિસરમાં પહેલાથી જ 100થી વધુ દેવી-દેવતાઓની મૂર્તિઓ છે. જેમાં 30 ફૂટની શિવ પ્રતિમા અને 53 ફૂટની કૃષ્ણ પ્રતિમા પણ સામેલ છે. રામ પ્રતિમાને એશિયાની સૌથી મોટી રામ પ્રતિમા તરીકે રજૂ કરવામાં આવી રહી હતી. આ પરિયોજના પર 17 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ થવાનો હતો.
કટ્ટરપંથી સંગઠન ઇમામ-ઉલમા પરિષદ અને અન્યોએ આ પ્રોજેક્ટના ફંડિંગ પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે માગ કરી છે કે ગુપ્તચર એજન્સીઓ તપાસ કરે કે શું કોઈ વિદેશી સરકાર કે સંગઠન પાસેથી પૈસા આવ્યા છે.
આ માગમાં પરોક્ષ રીતે ભારત તરફ ઇશારો માનવામાં આવી રહ્યો છે. વિરોધીઓએ આ પહેલ સાથે જોડાયેલા લોકોના બેંક ખાતાઓ અને સંપત્તિઓની તપાસ કરાવવાની પણ માગ કરી છે. તેમનું કહેવું છે કે પ્રોજેક્ટની અમારી સાર્વભૌમત્વ પર અસર થશે.