મનપાના આસિ. ઇજનેર સાથે 2.49 કરોડની છેતરપિંડી

રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ વિસ્તારમાં રહેતા અને રાજકોટ મહાનગરપાલિકામાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા કરણરાજસિંહ ઝાલાએ એક દંપતી સામે રૂ. 2.49 કરોડથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ આરોપી આશિષ બાવાલાલ દેથરીયા અને તેની પત્ની દીપાબેને જમીનના સોદા અને દલાલીમાં મોટો નફો અપાવવાની લાલચ આપી વિશ્વાસ કેળવી ફરિયાદી અને તેમના પરિવાર પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા હતા.

આરોપીઓએ રૂ. 20 હજાર ઉછીના લઈ પરત આપી વિશ્વાસ જીત્યો ફરિયાદ અનુસાર, કરણરાજસિંહની પત્ની કૃપાબા આત્મીય સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. ત્યાં તેમની ઓળખ દીપાબેન સાથે થઈ હતી, જે બાદ બંને પરિવારો વચ્ચે ઘરોબો વધ્યો હતો. શરૂઆતમાં આરોપીઓએ રૂ. 20 હજાર ઉછીના લઈને સમયસર પરત આપતા ફરિયાદીનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ વિવિધ બહાનાંસર મોટી રકમોની માંગણી શરૂ કરી હતી.

110 કરોડની જમીનનો સોદોમાં રોકાણ કરવા સમજાવ્યા આરોપીઓએ અવધ વિસ્તારમાં આવેલી આશરે રૂ. 110 કરોડ કિંમતની જમીનનો સોદો થવાનો હોવાનું જણાવી તેમાં રોકાણ કરવા સમજાવ્યા હતા. જમીન વેચાણ બાદ મળનારી દલાલીની રકમમાં ભાગ આપવાની લાલચ પણ આપી હતી. વિશ્વાસ વધારવા માટે જમીન બતાવવી, વિવિધ વ્યક્તિઓ સાથે ફોન પર વાત કરાવવી તેમજ બેંકની ખોટી સ્લિપ મોકલવા જેવા હથકંડા અપનાવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

સોનાના દાગીના ગીરવે મૂકી અને વેચી રૂ. 2.49 કરોડ ટ્રાન્સફર કરાવ્યા ફરિયાદીનો આક્ષેપ છે કે આરોપીઓના કહેવાથી તેમણે પોતાની બચત ઉપરાંત સંબંધીઓ અને મિત્રોથી ઉછીના રૂપિયા લીધા, બેંક લોન લીધી, ક્રેડિટ કાર્ડમાંથી રકમ ઉપાડી તેમજ સોનાના દાગીના ગીરવે મૂકી અને વેચીને કુલ રૂ. 2,49,70,101 વિવિધ ખાતાઓ અને વ્યક્તિઓને ટ્રાન્સફર કર્યા હતા.

દલાલ તરીકે વાતચીત કરી સમગ્ર કાવતરું રચ્યું હોવાનો આરોપ તપાસ કરતાં ફરિયાદીને જાણવા મળ્યું કે, જમીનના માલિક, ખરીદદાર અને અન્ય મધ્યસ્થી તરીકે ઓળખાવવામાં આવેલા કેટલાક નામો અને ઓળખ ખોટી હતી. મોબાઇલ નંબરો પણ આરોપીઓ અથવા તેમના ઓળખીતાઓના નામે નોંધાયેલા હોવાનું બહાર આવ્યું હતું. આરોપીઓએ ખોટી ઓળખ ધારણ કરીને જમીન માલિક, ખરીદદાર અને દલાલ તરીકે વાતચીત કરી સમગ્ર કાવતરું રચ્યું હોવાનો આરોપ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *