રાજકોટ ગ્રામ્ય LCB ટીમે જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ રૂપિયા 2,99,520/- ની કિંમતની 1728 બોટલો જપ્ત કરી કુલદીપ ઉર્ફે કેતન મનુભાઈ મોયા નામના આરોપી સામે ગુનો નોંધ્યો છે.
રાજકોટ રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાય અને રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશન અને અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે LCB ટીમને આ સફળતા મળી છે.
LCB શાખાના કર્મચારીઓ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગ કરી રહ્યા હતા. તે દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે બોરડી સમઢીયાળા ગામે રહેતા કુલદીપ ઉર્ફે કેતન મનુભાઈ મોયાના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન, આરોપીના મકાનમાંથી ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાન્ડની કુલ 1728 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.
પોલીસે મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધ્યો છે, જોકે આરોપી કુલદીપ ઉર્ફે કેતન મનુભાઈ મોયાની ધરપકડ હજુ બાકી છે. નોંધનીય છે કે આરોપી સામે અગાઉ જેતપુર સીટી અને જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના 6 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે.
આ સમગ્ર કામગીરીમાં LCB પીઆઈ જે.પી.રાવ, પીએસઆઈ કે.એમ.ચાવડા, એચ.સી.ગોહિલ, આર.વી.ભીમાણી, પી.એન.ભરવાડ તથા ASI બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, અનીલભાઈ બળકોદીયા, મેહુલભાઈ સુવા, હેડ.કોન્સ અરવિંદસિંહ જાડેજા, નીલેશભાઈ ડાંગર, કૌશિકભાઈ જોષી, મનદીપસિંહ જાડેજા, મીરલભાઈ ચંદ્રવાડિયા, શક્તિસિંહ જાડેજા, અઝીઝભાઈ સમા અને ડ્રા. અબ્દુલભાઈ શેખ સહિતનો સ્ટાફ જોડાયો હતો.