પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા અમદાવાદ અને ઓખા વચ્ચે દોડતી આધુનિક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના સંચાલન, ટાઈમ ટેબલ અને સ્ટોપેજમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. મુસાફરોની સગવડતા વધારવા, રેલ કનેક્ટિવિટી વધુ સુદ્રઢ કરવા અને આધુનિક પરિવહન સેવાઓનો વ્યાપ વધારવાના ઉદ્દેશ્યથી રેલવે મંત્રાલય દ્વારા આ નિર્ણયો લેવામાં આવ્યા છે.
જે અંતર્ગત ટ્રેન નંબર 22925/22926 અમદાવાદ–ઓખા–અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસના પ્રારંભિક અને અંતિમ ટર્મિનલ સ્ટેશનમાં ફેરફાર કરાયો છે, તેમજ પશ્ચિમ અમદાવાદના મુસાફરો માટે આંબલી રોડ સ્ટેશન ખાતે નવું વધારાનું સ્ટોપેજ મંજૂર કરવામાં આવ્યું છે. આ તમામ સુધારેલી વ્યવસ્થા અને નવું ટાઈમ ટેબલ આવનારી 17 ઓગસ્ટ, 2026થી વિધિવત રીતે અમલમાં મૂકવામાં આવશે.
વંદે ભારત એક્સપ્રેસ સાબરમતી સ્ટેશનથી ઉપડશે રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા મુજબ, નવી વ્યવસ્થા હેઠળ હવે આ વંદે ભારત એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશનના બદલે સાબરમતી (જેલ સાઇડ) SBT સ્ટેશનથી ઉપડશે અને ત્યાં જ તેની સફર પૂર્ણ કરશે. અમદાવાદ શહેરના ઝડપથી વિકસી રહેલા પશ્ચિમ વિસ્તારના નાગરિકો અને દૈનિક મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને આંબલી રોડ સ્ટેશન પર આ ટ્રેનને નવું સ્ટોપેજ આપવામાં આવ્યું છે, જેનાથી આ વિસ્તારના મુસાફરો માટે વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરવી વધુ સરળ અને અનુકૂળ બની રહેશે.