રાજ્યમાં સામાન્ય નાગરિકોની ફરિયાદો અને રજૂઆતોનો સ્થાનિક કક્ષાએ જ ઝડપી અને અસરકારક નિકાલ થાય તે માટે ગુજરાતના પોલીસ વડા (DGP) જી.એસ. મલિકે એક મહત્વપૂર્ણ કચેરી હુકમ જાહેર કર્યો છે. આ ઐતિહાસિક નિર્ણય હેઠળ હવે રાજ્યના તમામ પોલીસ કમિશનરથી લઈને પોલીસ સ્ટેશનના PI કક્ષાના અધિકારીઓએ દરરોજ ફરજિયાત 2 કલાકનો સમય નાગરિકોના પ્રશ્નો સાંભળવા માટે ફાળવવો પડશે. આ હુકમનો મુખ્ય હેતુ એ છે કે અરજદારોને ન્યાય મેળવવા માટે ગાંધીનગર સ્થિત DGP કચેરી કે સચિવાલય સુધી ધક્કા ન ખાવા પડે.
ઉચ્ચ અધિકારીઓ બપોરે 12થી 2 વાગ્યે કચેરીમાં હાજર રહેશે નવી ગોઠવાયેલી વ્યવસ્થા મુજબ, રાજ્યના તમામ પોલીસ કમિશનર, સંયુક્ત, અધિક, નાયબ અને મદદનીશ પોલીસ કમિશનર (DCP/ACP), રેન્જ IG તથા જિલ્લા પોલીસ વડા (SP) કક્ષાના તમામ ઉચ્ચ અધિકારીઓ દરરોજ બપોરે 12:00થી 02:00 વાગ્યા સુધી ફરજિયાત પોતાની કચેરીમાં હાજર રહીને મુલાકાતીઓને સાંભળશે. જો કોઈ અનિવાર્ય કારણસર મુખ્ય અધિકારી હાજર ન હોય, તો કચેરીના વરિષ્ઠ અધિકારી અથવા રીડર અરજદારોની રજૂઆતો સ્વીકારી તેને પ્રાથમિકતાના ધોરણે નિકાલ માટે આગળ વધારશે.
બીજી તરફ, પોલીસ સ્ટેશન સ્તરે PI અને થાણા અમલદારો માટે સાંજે 4થી 6 વાગ્યાનો સમય નક્કી કરાયો છે. આ સમયગાળા દરમિયાન તેઓએ પોલીસ સ્ટેશનમાં હાજર રહી નાગરિકોની ફરિયાદો સાંભળવી અને જરૂરી કાર્યવાહી શરૂ કરવી રહેશે. પોલીસ વિભાગનું માનવું છે કે, આ વ્યવસ્થાથી સામાન્ય નાગરિકોને નાના-મોટા પ્રશ્નોના ઉકેલ માટે ઉચ્ચ કચેરીઓના ચક્કર કાપવાની જરૂર રહેશે નહીં.