ઉપલેટામાં ચેમ્બર પ્રમુખને સાંભળવાને ‎બદલે રેલવે બાબુઓએ અપમાનિત કર્યા‎

ઉપલેટા રેલવે સ્ટેશન ખાતે તાજેતરમાં ભાવનગર રેલવે ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર સહિતના ઉચ્ચ અધિકારીઓ રૂબરૂ મુલાકાત અને ઈન્સ્પેક્શન માટે આવ્યા હતા અને આ મુલાકાત દરમિયાન રેલવેના વિવિધ વિભાગના અધિકારીઓ અને સ્થાનિક કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જોકે, આ નિરીક્ષણ મુલાકાત પ્રજાની સમસ્યાઓના ઉકેલને બદલે વિવાદનું કેન્દ્ર બની ગઈ હતી.

કેમકે લોકોના પ્રશ્નોની યાદી લઇને જ્યારે ચેમ્બર પ્રમુખ રજૂઆત કરવા ગયા ત્યારે અધિકારીઓ લાજવાને બદલે ગાજ્યા હતા અને તેમને બોલવાનો મોકો આપ્યા વગર જ અપમાનિત કરીને કાઢી મૂકાતાં આગામી સમયમાં આ મુદે આક્રમક હલચલ જોવા મળે તો નવાઇ નહીં!

પ્રશ્નોને ન્યાય મળવાનું તો દૂર, સાંભળવાની તસદી પણ ન લેવાઇ ઉપલેટા રેલવે સ્ટેશન ખાતે મુસાફરો અને સ્થાનિકોને અનેક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને બપોરના ૧૨:૦૦ વાગ્યાથી લઈને ૦૩:૦૦ વાગ્યા સુધી રેલવે સ્ટેશન સંપૂર્ણપણે બંધ રાખવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન સ્ટેશન બંધ રહેવાથી મુસાફરોને પૂછપરછ કરવામાં અને અન્ય પ્રાથમિક સુવિધાઓ મેળવવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે.

ઉપલેટા સ્ટેશન પરથી રોજના અંદાજિત ૧૫ થી ૨૦ જેટલી મુસાફર ટ્રેનો અને માલગાડીઓની અવરજવર રહે છે. આટલા મોટા ટ્રાફિકને કારણે સ્થાનિક સ્ટેશન માસ્ટર સતત ટ્રેન વર્કિંગની કામગીરીમાં જ વ્યસ્ત રહે છે. તેઓને અન્ય કામગીરી માટે સમય ન મળતો હોવાથી મુસાફરોને રિઝર્વેશન ટિકિટ અને તત્કાલ ટિકિટ કઢાવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *