રાજકોટના રેસકોર્સમાં ચાલી રહેલા બાબા બાગેશ્વરની હનુમાન કથાનો આજે ત્રીજો દિવસ છે. કાર્યક્રમ શરૂ થાય તે પહેલા શરૂ થયેલો વિવાદ આજે કથાના અંતિમ દિવસે પણ યથા્વત છે. ધીરેન્દ્ર શાસ્ત્રી અંધશ્રદ્ધા ફેલાવતા હોવાનો આક્ષેપ કરનાર પુરુષોત્તમ પીપળીયાએ આજે બાબા બાગેશ્વરના દરબારમાં જવાની જાહેરાત કરી હતી. જોકે, પીપળીયા તેના ઘરેથી નીકળી કાર્યક્રમ સ્થળ પર પહોંચે તે પહેલા જ ઘરની બહાર પહેલાથી તહેનાત પોલીસ જવાનોએ તેની અટકાયત કરી બોલેરોમાં બેસાડી દીધા હતા.
પરસોતમ પીપળીયા એ જણાવ્યું કે પોલીસ દ્વારા મને ઘરમાં રહેવાનું કહેવામાં આવે છે અથવા તો અટકાયત કરવાનું કહેવામાં આવે છે. પરંતુ બંધારણીય રીતે મને અધિકાર મળ્યો છે કે, કોઈપણ અંધશ્રદ્ધા ફેલાવતું હોય તો તેનો પર્દાફાશ થવો જોઈએ. તેને બદલે મને ત્યાં જવાની મનાઈ ફરમાવવામાં આવે છે અને અટકાયત કરવામાં આવી છે. બાબા બાગેશ્વરને અંધશ્રધ્ધા ફેલાવવા માટે પોલીસ પ્રોટેક્શન આપવામાં આવતું હોય ત્યારે એક આલોચક તરીકે તેનો પર્દાફાશ કરવા માટે મને પણ પોલીસ પ્રોટેકશન મળવું જોઈએ. જે મારા મૂળભૂત અધિકારોની વિરુદ્ધ છે. મે પોલીસ પ્રોટેકશન માટે અરજી કરી હતી પરંતુ તંત્ર દ્વારા એવું કહેવામાં આવે છે કે તમારી અરજી રદ કરવામાં આવી છે. જોકે હું ત્યાં તોફાન કરવા જતો નથી. હું માત્ર મારા પ્રશ્નની રજૂઆત કરવા માટે જાઉં છું. તેમને મને પડકાર ફેંક્યો છે કે તમે આવો બાબાના દરબારમાં. જેથી જે કંઈ હોય તે દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. તો આ પ્રકારની બેવડી નીતિ શા માટે. મારી અટકાયત પાછળ આયોજકો અથવા રાજકીય રીતે દબાણ હોઈ શકે.
“કોઈ તબીબી ડિગ્રી વગર કેન્સર મટાડવાનો દાવો કરવો એ અંધશ્રદ્ધા” પરસોતમ પીપળીયાએ મીડિયા સાથેની વાતચીતમાં બાબાના કાર્યક્રમ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, “આ કોઈ દિવ્ય દરબાર નથી, પરંતુ વાસ્તવમાં ‘પ્રેત દરબાર’ છે.” તેમણે ઉમેર્યું કે, કોઈપણ પ્રકારની માન્ય મેડિકલ કે તબીબી ડિગ્રી વિના લોકોની ગંભીર બીમારીઓ અને કેન્સર જેવા અસાધ્ય રોગો મટાડવાની ખાતરી આપવી કે આશીર્વાદ આપવા, તે સરેઆમ અંધશ્રદ્ધા ફેલાવવાનું કૃત્ય છે. તેમના મતે, સ્ટેજ પરથી લોકોના નામની ચિઠ્ઠીઓ અને ચબરખીઓ કાઢીને ભૂતકાળ કે ભવિષ્ય ભાખવું એ કોઈ દૈવી ચમત્કાર નથી, પરંતુ માત્ર એક જાદુગરીની સામાન્ય ટેકનિક છે.