માર્કેટ કેપની દ્રષ્ટિએ દેશની 10 સૌથી મોટી કંપનીઓમાંથી 7 કંપનીઓની વેલ્યુ છેલ્લા અઠવાડિયાના કારોબારમાં 1.25 લાખ કરોડ રૂપિયા ઘટી ગઈ. આ સમયગાળા દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માર્કેટ વેલ્યુ સૌથી વધુ ઘટી છે.
રિલાયન્સની માર્કેટ વેલ્યુ ₹39,718 કરોડ ઘટીને ₹17.47 લાખ કરોડ પર આવી ગઈ છે. જ્યારે TCSની માર્કેટ વેલ્યુ ₹20,134 કરોડ ઘટીને ₹7.95 લાખ કરોડ રહી ગઈ છે.
આ ઉપરાંત એરટેલ, લાર્સન એન્ડ ટુબ્રો, LIC, બજાજ ફાઇનાન્સ અને હિન્દુસ્તાન યુનિલિવરની માર્કેટ વેલ્યુ પણ ઘટી છે. જ્યારે છેલ્લા અઠવાડિયે SBI, ICICI બેંક અને HDFC બેંકની માર્કેટ વેલ્યુ વધી છે.
ગયા અઠવાડિયે સેન્સેક્સ 532 (0.71%) પોઈન્ટ અને નિફ્ટી 181 (0.76%) પોઈન્ટ ઘટ્યો હતો. જ્યારે શુક્રવાર, 5 જૂને સેન્સેક્સ 116 પોઈન્ટના ઘટાડા સાથે 74,243 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 50 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો, તે 23,366 ના સ્તરે બંધ થયો હતો.
માર્કેટ કેપિટલાઇઝેશન શું છે?
માર્કેટ કેપ એ કોઈપણ કંપનીના કુલ આઉટસ્ટેન્ડિંગ શેર એટલે કે હાલમાં તેના શેરધારકો પાસે રહેલા તમામ શેરનું મૂલ્ય છે. તેની ગણતરી કંપની દ્વારા જાહેર કરાયેલા શેરની કુલ સંખ્યાને તેમની કિંમત વડે ગુણીને કરવામાં આવે છે.