NDA સરકારને ઘેરવા માટે 2 વર્ષ પછી I.N.D.I.A બ્લોકની આજે બપોરે 12 વાગ્યે દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં બેઠક છે. કોંગ્રેસનો દાવો છે કે તેમાં 23 વિપક્ષી દળો સામેલ થશે. જોકે, પાર્ટીએ આ દળોના નામ જણાવ્યા નથી.
કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું કે 23 દળો ભાજપ સરકારની નીતિઓ વિરુદ્ધ એકજૂટ થઈ રહ્યા છે. તેમણે X પોસ્ટમાં ‘ઈન્ડિયા’ને ‘ઈન્ડિયા જનબંધન’ લખ્યું. TMC ચીફ મમતા બેનર્જી અને તેમના ભત્રીજા અભિષેક દિલ્હી પહોંચી ગયા છે.
રવિવારે તેમણે AAP સંયોજક અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી. આ બેઠકની વિગતો સામે આવી નથી. I.N.D.I.A ની અત્યાર સુધીમાં 6 બેઠકો થઈ ચૂકી છે. તેમાં એક વર્ચ્યુઅલ બેઠક સામેલ છે. સત્તાવાર રીતે I.N.D.I.A નો એજન્ડા નક્કી નથી. બધા પક્ષો પોતપોતાના મુદ્દા ઉઠાવી શકે છે.
બેઠકમાં રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનર્જી અને અભિષેક બેનર્જી, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ, RJDના તેજસ્વી યાદવ, શિવસેના (UBT)ના ઉદ્ધવ ઠાકરે સહિત ડાબેરી પક્ષો અને અન્ય નાના પક્ષોના નેતાઓ હાજર રહે તેવી શક્યતા છે.
AAP અને DMK બેઠકમાં ભાગ લઈ રહ્યા નથી. CPI (M) એ પોતાનો વિરોધ નોંધાવ્યો છે, પરંતુ બેઠકમાં હાજર રહેશે. JMM પર સસ્પેન્સ છે.
પ્રથમ બેઠક 23 જૂન 2023 ના રોજ પટનામાં થઈ હતી. તેને નીતિશ કુમારે બોલાવી હતી. છેલ્લી બેઠક 1 જૂન 2024 ના રોજ દિલ્હીમાં થઈ હતી.