ગોંડલ ST બસ સ્ટેશન ખાતે કૂલર બન્યું શો પીસ, ઠંડા પાણીની સુવિધા નહીં

ગોંડલના યુવા ભાજપ અગ્રણી અને રાજકોટ જિલ્લા ભાજપ પ્રેસ મીડિયા સહ ઇન્ચાર્જ કુલદીપસિંહ જાડેજાએ એસટી તંત્રને રજૂઆત કરતા જણાવ્યું હતું કે એસટી બસ સ્ટેશન ખાતે મુસાફરો માટે આરઓ સિસ્ટમ તેમજ ઠંડા પાણી માટે ફ્રીઝરની સુવિધા ઉપલબ્ધ હોવા છતાં છેલ્લા કેટલાય દિવસોથી ફ્રીઝ એટલે કે કૂલર બંધ હાલતમાં હોવાના કારણે મુસાફરોને ધગધગતા તાપમાં ગરમ પાણી પીવાની ફરજ પડી રહી છે.

ઉનાળાની આકરા ગરમીમાં મુસાફરોને પૂરતી અને ઠંડા પાણીની સુવિધા મળવી જરૂરી હોવા છતાં એસટી તંત્રની બેદરકારી સામે આવી રહી છે. દરરોજ મોટી સંખ્યામાં મુસાફરો ગોંડલ એસટી બસ સ્ટેશનનો ઉપયોગ કરે છે. તેમાં વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને વધુ હાલાકી ભોગવવી પડી રહી છે. આરઓ પ્લાન્ટ કાર્યરત હોવા છતાં ઠંડુ પાણી ઉપલબ્ધ ન હોવાને કારણે મુસાફરોમાં અસંતોષ ફેલાયો છે. એસટી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી બંધ પડેલ ફ્રીઝ શરૂ કરવામાં આવે તેમજ મુસાફરોને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે. જાહેર સુવિધાઓ જાળવવામાં થતી બેદરકારી દૂર કરી મુસાફરોને રાહત મળે તે માટે યોગ્ય પગલાં લેવા જરૂરી બન્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *