રાજકોટ આજીડેમ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, રવિકુમાર તથા રાહુલકુમાર નામના શખ્સો થોડીવારમાં કોઠારીયા ગામ પાણીના ટાંકાથી આગળ સોલવંટ ફાટક તરફ જવાના રસ્તે આવવાના છે અને તેના કબ્જામાં ગાંજાનો જથ્થો છે જે બાતમીના આધારે ટીમે દરોડો પાડી બંને શખ્સોની અટકાયત કરી નામ પૂછતા પોતાનું નામ રવિકુમાર મંગલસીંગ (ઉ.વ.26) અને રાહુલકુમાર નંદજીપ્રસાદ (ઉ.વ.30) હોવાનું જણાવ્યું હતું.
બંને પાસે રહેલ થેલામાં તપાસ કરતાં તેમાંથી 2.588 કિલો ગાંજાનો જથ્થો મળી આવતાં બંને શખ્સોની ધરપકડ કરી ગાંજો, મોબાઈલ ફોન સહિત કુલ રૂ.1.50 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બંને શખ્સો મોરબીથી અહીં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કામ કરતા શ્રમિકોને ગાંજો સપ્લાય કરવા આવ્યા હતા તે બંનેને આ ગાંજાનો જથ્થો બિહારના શખ્સે સપ્લાય કર્યો હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ કાલાવડ રોડ હાઇવે પર આવેલ વીરડા વાજડી ગામે મફતીયાપરામાં રહેતા રોહિતભાઈ ધીરજલાલ જાદવ (ઉ.વ.52) નામના પ્રૌઢની તેના જ ઘરમાંથી કોહવાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતાં તાલુકા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો જેની પ્રાથમિક તપાસમાં મૃતદેહ ત્રણેક દિવસથી પડયો હોવાથી કોહવાઈ ગયો હોવાથી પોલીસે જરૂરી કાર્યવાહી કરી મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહને ફોરેન્સી પોસમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.