25 રાજ્યમાં વરસાદનું એલર્ટ; ગુજરાતમાં ભારે પવન સાથે ગાજવીજની આગાહી

દેશમાં નૈઋત્યનું ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું અરબી સમુદ્રના બાકીના ભાગો, લક્ષદ્વીપ, કેરળ, માહે તેમજ કર્ણાટક અને તમિલનાડુના વધુ વિસ્તારોમાં પ્રવેશી ચૂક્યું છે. આગામી બેથી ત્રણ દિવસમાં ચોમાસું ગોવા તથા મહારાષ્ટ્ર તરફ આગળ વધે તેવી સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પાકિસ્તાન પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર હેઠળ આગામી 24 કલાકમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે વીજળીના કડાકા અને હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે.

રાજ્યમાં વરસાદ સાથેે વીજળી પડવાની આગાહી 10 જૂન સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ, ગાજવીજ અને તેજ પવનની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. સાથે જ કેટલાક સ્થળોએ ભારે ગર્જના અને વીજળીના ચમકારા થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જેના કારણે લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ 20થી 25 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સંભાવના છે.

હાલમાં ઉત્તરી પાકિસ્તાન નજીક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. ઉપરાંત જમ્મુ-કાશ્મીર વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ તેમજ દક્ષિણ-પૂર્વ રાજસ્થાન નજીક પણ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી રહી છે. બીજી તરફ કેરળમાં પહોંચી ચૂકેલા દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના આગામી બેથી ત્રણ દિવસમાં વધુ આગળ વધવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. આજે રાજ્યમાં સૌથી વધુ તાપમાન અમદાવાદમાં 41.4°C નોંધાયું હતું. જ્યારે ગાંધીનગર અને સુરેન્દ્રનગર બન્ને શહેરોમાં મહત્તમ તાપમાન 40.5°C નોંધાયું હતું. આગામી 7 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. ગત 24 કલાકમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ નોંધાયો છે, જેમાં સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 12.4 mm વરસાદ પડ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *