સાંઢીયા પુલની કામગીરીમાં ક્ષતિ બદલ PMC અને કોન્ટ્રાકટર કંપનીને નોટીસ

રાજકોટના જામનગર રોડ પર જુનો સાંઢીયા પુલ તોડીને તેની જગ્યાએ રૂ. 74 કરોડના ખર્ચે નવા ફોરલેન બ્રીજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બ્રીજનું કામ મોટાભાગે પૂર્ણ થઈ ગયું છે અને ટૂંક સમયમાં તેનું લોકાર્પણ થવાનું છે. આ દરમિયાન મહાપાલિકાના પદાધિકારીઓની મુલાકાત વખતે બ્રીજની કામગીરીમાં કેટલીક ટેકનીકલ ખામીઓ અને વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવા જેવી ત્રુટીઓ ધ્યાને આવી હતી. આ ગંભીર બેદરકારી અને ક્ષતિઓ બદલ કોર્પોરેશનના ઇજનેરો દ્વારા સમગ્ર પ્રોજેકટમાં પ્રોજેકટ મેનેજમેન્ટ ક્નસલ્ટન્ટ (PMC) તરીકે કામ રાખનાર ડેલ્ફ એજન્સી અને કોન્ટ્રાકટર કંપની ચેતન ક્નસ્ટ્રકશનને નોટીસ આપીને ખુલાસો પુછવામાં આવ્યો છે. નોટીસમાં કામમાં રહેલી પ્રવાહીતા અંગે જવાબ માંગવાની સાથે જ બાકી રહેલું ફિનીશીંગ સહિતનું કામ અગ્રતાના ધોરણે આગામી 2 થી 3 દિવસમાં પૂરું કરીને સંપૂર્ણ બ્રીજ વહેલી તકે મહાપાલિકાને સોંપવા માટે કડક તાકીદ કરવામાં આવી છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ. 74 કરોડના ખર્ચે બનેલો ફોરલેન સાંઢિયાપુલ તૈયાર હોવા છતાં લાંબા સમયથી લોકાર્પણ ન થતાં, તાજેતરમાં એક રાજકીય પક્ષ દ્વારા તેના જનતા લોકાર્પણની જાહેરાત કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે તંત્ર દોડતું થયું હતું, ત્યાં હવે વોર્ડ નં. 12માં પણ આવો જ એક મોરચો મંડાયો છે. વોર્ડ નં. 12માં વાવડી ગામ ગેટથી પુનિતનગર 150 ફીટ રિંગ રોડ સુધીની સેન્ટર પોલ લાઈટ છેલ્લા 1 મહિનાથી સંપૂર્ણ તૈયાર છે અને તેનું ટેસ્ટિંગ પણ સફળતાપૂર્વક થઈ ગયું છે. આમ છતાં, મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે. આ કાયમ ધમધમતા મુખ્ય રોડ પરથી રોજ હજારો નાગરિકો પસાર થાય છે, જેમને લાઈટો ચાલુ નહીં હોવાના કારણે ભારે પરેશાની વેઠવી પડે છે. આ સમસ્યાને ધ્યાને રાખીને સ્થાનિક સોસાયટીના આગેવાનોએ આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે તંત્રને અલ્ટીમેટમ આપતા ચિમકી ઉચ્ચારી છે કે જો આગામી 8 દિવસમાં આ સેન્ટર પોલ લાઈટ ચાલુ કરવામાં નહીં આવે, તો સ્થાનિક રહીશો અને આગેવાનો સાથે મળીને જાતે જ તેનું જનતા લોકાર્પણ કરી દેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *