દાવો- સૂર્યકુમાર યાદવ પાસેથી T-20 કેપ્ટનશીપ છીનવાશે

સૂર્યકુમાર યાદવને ભારતીય ટી-20 ટીમની કેપ્ટનશીપ પરથી હટાવવામાં આવી શકે છે. ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર, ટીમમાં તેની જગ્યા પણ જોખમમાં છે. આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડના પ્રવાસ પહેલા BCCI, ટીમ મેનેજમેન્ટ અને પસંદગી સમિતિ નવા કેપ્ટન બનાવવાનું વિચારી રહી છે.

ભારતની ટીમ આ મહિને આયર્લેન્ડમાં બે ટી-20 મેચ રમશે. ત્યારબાદ ઇંગ્લેન્ડના પ્રવાસ પર 5 ટી-20 મેચ રમાશે. આ જ વર્ષે 8 માર્ચે અમદાવાદમાં સૂર્યકુમારની કેપ્ટનશીપ હેઠળ ભારતે ટી-20 વર્લ્ડકપ જીત્યો હતો. તેમ છતાં, બોર્ડે ટી-20 વર્લ્ડ કપ 2028ને લઈને આ નિર્ણય લીધો છે. આ મામલે હેડ કોચ ગંભીર સાથે પણ ચર્ચા કરવામાં આવી છે.

IPL 2026 સિઝનમાં સૂર્યકુમાર માત્ર 270 રન જ બનાવી શક્યો. આ દરમિયાન તેની સરેરાશ 20.76 રહી. સૂર્યાએ આ સિઝનમાં રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ સામે બે અડધી સદી ફટકારી હતી.

સૂર્યાએ કેપ્ટન તરીકે 42 T-20 જીતી

સૂર્યાની કપ્તાનીમાં ભારતે 52 T-20 મેચ રમ્યા. જેમાં 42 જીત્યા, 8 હાર્યા અને બે મેચનું કોઈ પરિણામ આવ્યું નહીં. તેમની જીતની ટકાવારી 80.76% છે. સૂર્યકુમારની આગેવાની હેઠળ ભારતે 2026 T-20 વર્લ્ડ કપ, 2025 એશિયા કપ જીત્યા હતા.

સૂર્યા T-20માં 4 સદી ફટકારી ચૂક્યો છે

સૂર્યકુમારે 113 મેચમાં 3272 રન બનાવ્યા છે. તેની સરેરાશ 36.35 અને સ્ટ્રાઈક રેટ 162.94 રહ્યો છે. સૂર્યકુમારના નામે 4 સદી અને 25 અડધી સદી નોંધાયેલી છે. તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર 117 રન છે. સૂર્યાએ 297 ચોગ્ગા, 179 છગ્ગા અને 58 કેચ પણ લીધા છે.

રોહિત પછી સૂર્યાને કેપ્ટનશીપ મળી હતી

વેસ્ટ ઈન્ડિઝમાં 2024 ટી-20 વર્લ્ડ કપ જીત્યા બાદ રોહિત શર્માએ આ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. આ પછી સૂર્યકુમાર યાદવને ભારતની કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *