સાંઢીયા પુલના લોકાર્પણની તારીખ ટૂંકમાં જાહેર થશે

રાજકોટના જામનગર રોડ પર સાંઢીયા પુલની જગ્યાએ રૂ. 74 કરોડના ખર્ચે નવો ફોરલેન બ્રિજ બનીને તૈયાર થઇ ગયો છે.આ બ્રિજના ઉદઘાટન માટે ગાંધીનગર ગયેલા ભાજપના નવા પદાધિકારીઓએ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને આમંત્રણ પાઠવ્યું છે.મેયર નેહલ શુકલની આગેવાનીમાં ડે.મેયર દક્ષાબેન વસાણી,સ્ટે.ચેરમેન પરેશ પીપળીયા,શાસક નેતા હિરેન ખીમાણીયા અને દંડક સંજયસિંહ રાણા સહિતની ટીમે આજે બપોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.

આ બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ માધવ દવે પણ જોડાયા હતા.મુલાકાત દરમિયાન વિકાસ કામો અને લોકઉપયોગી કાર્યો પર ચર્ચા કરવામાં આવી હતી.જોકે સરકાર અને મનપા દ્વારા મોટા કાર્યક્રમો પર કરકસરના ભાગરૂપે નિયંત્રણો મુકાયા હોવાથી મુખ્યમંત્રી રૂબરૂ આવે તેવી શક્યતા ઓછી છે.આથી, મોટા સમારોહ વગર સરકાર દ્વારા આ બ્રિજનું ઈ-લોકાર્પણ કરવામાં આવે તેવી સંભાવના છે.જો મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સમય ન આપી શકે, તો રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી જીતુ વાઘાણીના હસ્તે આ બ્રિજ ખુલ્લો મુકાઈ શકે છે.આગામી 1થી 2 દિવસમાં ઉદઘાટનની તારીખ જાહેર થવાની આશા છે.

રાજકોટ મનપાના પાર્કિંગમાં આજે પદાધિકારીઓની ગેરહાજરી વચ્ચે એક હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો.ભાજપની નવી ટીમના પદાધિકારીઓ એક મહત્વની મુલાકાત માટે કાર શેરિંગ કરીને ગાંધીનગર ગયા હતા.આજે મનપાના 5 પદાધિકારીઓ કુલ 3 વાહનોમાં એકસાથે ગાંધીનગર પહોંચ્યા હોવાથી મનપા કચેરી ખાતે પદાધિકારીઓના સરકારી પાર્કિંગના પ્લોટ ખાલી પડ્યા હતા.જેનો લાભ ઉઠાવીને મનપાના સત્તાવાર પાર્કિંગમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન માટે નક્કી કરાયેલી આરક્ષિત જગ્યામાં એક ખાનગી કાર ઘુસી ગઈ હતી અને ત્યાં જ પાર્ક થઈ ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *