મોંઘવારી, મંદી અને વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે પણ રંગીલા રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના પ્રવાસીઓએ ઉનાળુ વેકેશનમાં હવાઈ મુસાફરીને પહેલી પસંદગી આપી છે. મે માસમાં શાળા-કોલેજોમાં રજાઓ હોવાને કારણે દેશ-વિદેશના પ્રવાસો વધ્યા હતા, જેના લીધે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હવાઈ મુસાફરોની સંખ્યામાં 25% નો મોટો વધારો નોંધાયો છે.
હાલમાં રાજકોટથી દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, હૈદરાબાદ અને નવી મુંબઈ માટે ડેઈલી ફ્લાઈટ્સ ઉપલબ્ધ છે, જ્યારે પુના માટે સપ્તાહમાં 4 દિવસ ફ્લાઈટ ઉડે છે. આ ઉપરાંત, આંતર જિલ્લા કનેક્ટિવિટી માટે સુરતની 9 સીટર વેન્ચુરા એર કનેક્ટ સેવા પણ ચાલુ છે.મુસાફરોનો ધસારો વધતા એરલાઈન્સ કંપનીઓને એરફેર (ટિકિટ ભાડા) દ્વારા બમણી આવક થઈ છે.
જોકે, એરપોર્ટ પર કસ્ટમ્સ સહિતનું જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવા છતાં ઉડ્ડયન મંત્રાલય દ્વારા હજુ સુધી એકપણ ડાયરેક્ટ ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવામાં આવી નથી. પરિણામે વિદેશ જનારા પ્રવાસીઓએ કનેક્ટિંગ ફ્લાઈટ પકડવા અમદાવાદ, મુંબઈ કે દિલ્હી જવું પડે છે.