રાજકોટમાં ફરી એકવાર હજારો લિટર પાણીનો વેડફાટ

રાજકોટ શહેરમાં ભર ઉનાળાની સિઝનમાં એક તરફ નાગરિકો પાણી માટે વલખાં મારી રહ્યા છે, ત્યારે બીજી તરફ વહીવટી તંત્રની બેદરકારી અથવા અચાનક સર્જાતી ટેકનિકલ ખામીને કારણે હજારો લિટર પીવાના પાણીનો વેડફાટ થતો હોવાની ઘટના એક બાદ એક સામે આવી રહી છે. ત્યારે આજે રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક આવી જ ઘટના સામે આવી હતી. જેમાં પાણીની એક લાઈનમાં ભંગાણ થતા હજારો લીટર પાણી રસ્તા ઉપર વહેવા લાગ્યું હતું. જેને લઈને વાહનચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે થોડીવારમાં જ મનપાની ટીમો દ્વારા સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ પાણીના વેડફાટ અંગે પૂછતાં ડિવોટરિંગ કર્યું હોવાનો બચાવ કરાયો હતો.

પ્રાપ્ત વિગત મુજબ આજે રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા જોતજોતામાં રસ્તા પર પાણીના મોટા રેલા ઉતરી આવ્યા હતા અને આસપાસનો આખો વિસ્તાર પાણી-પાણી થઈ ગયો હતો. ઉનાળાના ધોમધખતા તાપ વચ્ચે રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હોય તેવો નજારો જોવા મળ્યો હતો, જેને કારણે સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આ ભંગાણને કારણે રાજકોટના વ્યસ્ત ગણાતા રૈયા ટેલિફોન એક્સચેન્જ રોડ પર પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અને ધોમધખતા ઉનાળે ચોમાસા જેવો વરસાદી માહોલ સર્જાયો હતો.

રૈયા ટેલિફોન એક્સચેન્જ આસપાસના રસ્તાઓ ઉપર પાણી ભરાઈ જવાના કારણે ત્યાંથી પસાર થતા સેંકડો વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ખાસ કરીને દ્વિચક્રી વાહનનાં ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રસ્તા પર ભરાયેલા પાણીના કારણે અકસ્માતનો ભય પણ સતત મંડરાતો રહ્યો હતો અને સ્થાનિક વેપારીઓના ધંધા-રોજગાર ઉપર પણ આની માઠી અસર જોવા મળી હતી. જોકે જાગૃત નાગરિકો દ્વારા આ મામલે તાત્કાલિક મનપા તંત્રને જાણ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *