સુરત શહેરમાં ફરી એકવાર ચકચારી ઘટના સામે આવી છે. સુરતના પુણાગામ વિસ્તારમાં કાકા-કાકીને ત્યાં ફરવા આવેલા અને ભારતીય સેનામાં દેશની સેવા કરતા 29 વર્ષીય જવાનનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ છે. રાત્રે જમવા જવાનું કહીને નીકળેલા આ જવાને અડધી રાત્રે તેના કાકાને મોબાઈલ પર પોતાનું લોકેશન મોકલ્યું હતું. સવારે કાકાએ આ લોકેશન ચેક કરીને તપાસ કરતાં જવાન ખુલ્લી જગ્યામાંથી મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ સાથે જ ઘટના સ્થળેથી કંઈક મિશ્રણ કરેલી બોટલ પણ મળી આવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.
મૂળ અમરેલીના વતની અને આર્મી જવાન સુરત ફરવા આવ્યા હતા મળતી માહિતી પ્રમાણે, મૂળ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના વતની 29 વર્ષીય શૈલેષભાઈ ભુરાભાઈ કળસાગરા ભારતીય આર્મીમાં નોકરી કરતા હતા. તેઓ હાલમાં સુરતના પુણાગામ ખાતે આવેલી કૃષ્ણનગર સોસાયટીના અમર એપાર્ટમેન્ટમાં રહેતા પોતાના કાકા-કાકીને મળવા અને સુરતમાં ફરવા માટે આવ્યા હતા. રજાઓ ગાળવા આવેલા ભત્રીજાના આવા કરુણ અંતથી પરિવાર સ્તબ્ધ થઈ ગયો છે.
રાત્રે જમવાનું કહીને નીકળ્યા, મધ્યરાત્રિએ કાકાને લોકેશન મોકલ્યું ગઈકાલે રાત્રે શૈલેષભાઈ તેમના કાકાને ‘હું બહાર જમવા જાઉં છું’ તેમ કહીને ઘરેથી નીકળ્યા હતા. ત્યાર બાદ તેઓ પુણા વિસ્તારમાં જ આવેલ શુભમ એલિકેન નામની એક ખુલ્લી જગ્યામાં પહોંચ્યા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મધ્યરાત્રિએ શૈલેષભાઈએ તેમના કાકાના મોબાઈલ ફોન પર પોતાનું લાઈવ લોકેશન મોકલ્યું હતું. જોકે, રાત્રે કાકાનું ધ્યાન ન જતાં, આજે સવારે જ્યારે તેમણે મોબાઈલ ચેક કર્યો ત્યારે આ લોકેશન જોયું હતું.
સવારે લોકેશનના આધારે તપાસ કરતા જવાનનો મૃતદેહ મળ્યો સવારે લોકેશન જોયા બાદ કાકા તાત્કાલિક તે સ્થળ પર શુભમ એલિકેનની ખુલ્લી જગ્યામાં પહોંચ્યા હતા. જ્યાં તપાસ કરતા જ શૈલેષભાઈ ત્યાં મૃત હાલતમાં મળી આવતા કાકાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ઘટના અંગે તાત્કાલિક સ્થાનિક પુણા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સ્મીમેર હોસ્પિટલમાં પીએમ કરાયું પુણા પોલીસે આર્મી જવાન શૈલેષભાઈના મૃતદેહને તાત્કાલિક પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જ્યાં તબીબોની પેનલ દ્વારા પીએમની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મોતના ચોક્કસ કારણને જાણવા માટે તબીબો દ્વારા વિવિધ સેમ્પલો લેવામાં આવ્યા છે, જેના લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જ મોત પાછળનું સાચું કારણ સ્પષ્ટ થશે.