દિગ્ગજ ગાયિકા સુમન કલ્યાણપુરનું નિધન

જાણીતા અને દિગ્ગજ ગાયિકા સુમન કલ્યાણપુરનું રવિવારે સાંજે મુંબઈમાં 89 વર્ષની વયે તેમના નિવાસસ્થાને નિધન થયું. રિપોર્ટ્સ અનુસાર, તેમના મૃત્યુનું કારણ ઉંમર સંબંધિત સમસ્યાઓ હતી.

તેમના નજીકના મિત્ર મંગલા ખાડિલકરે જણાવ્યું કે સુમનજીએ રાત્રે લગભગ 8 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી પોતાના જ ગાયેલા ગીતો સાંભળી રહ્યા હતા અને તેમણે ખૂબ શાંતિથી દુનિયાને અલવિદા કહ્યું.

સોમવારે સવારે લગભગ 11:30 થી 12 વાગ્યાની વચ્ચે પવન હંસ સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમના પરિવારમાં તેમની પુત્રી ચારુ છે. તેમને 2023માં ‘પદ્મ ભૂષણ’ મળ્યો હતો.

સુમન કલ્યાણપુરે 1960 અને 1970ના દાયકામાં પોતાના સુરીલા અવાજથી સંગીત જગતમાં એક ખાસ ઓળખ બનાવી હતી. તે સમયે લતા મંગેશકર જેવી મહાન ગાયિકા હોવા છતાં તેમણે પોતાની અલગ જગ્યા બનાવી.

તેમના ગાયેલા ‘આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે’, ‘ના ના કરતે પ્યાર તુમ્હીં સે’ અને ‘તુમને પુકારા ઔર હમ ચલે આયે’ જેવા ગીતો આજે પણ લોકપ્રિય છે. તેમણે હિન્દી ઉપરાંત મરાઠી, અસમિયા, કન્નડ, બંગાળી અને ઉડિયા સહિત અનેક ભાષાઓમાં ગીતો ગાયા.

જોકે લોકો અવારનવાર તેમના અવાજની સરખામણી લતા મંગેશકર સાથે કરતા હતા, પરંતુ સુમનજી હંમેશા આ સરખામણીને નકારતા હતા. વર્ષ 2022ના એક ઇન્ટરવ્યુમાં તેમણે લતાજીને પોતાની ખૂબ જ નજીકની મિત્ર ગણાવતા કહ્યું હતું કે તેમને મળવું હંમેશા એક સહેલીને મળવા જેવો અહેસાસ કરાવતું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *