રાજકોટમાં પૂરપાટ ઝડપે દોડતા ભારે વાહનો લોકોના મોતનું કારણ બની રહ્યા છે.આજે 31 મેએ શહેરના જૂના માર્કેટિંગ યાર્ડ પાસે લકઝરી બસે એક્ટિવાને ટક્કર મારતા એક યુવતીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે.ઘટના બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે યુવતીના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.ત્યારે આજીડેમ પોલીસે સ્થળ પરથી ખાનગી લક્ઝરી બસના ડ્રાઈવરની અટકાયત કરી છે.આ દરમિયાન લોકોના ટોળા પણ એકત્ર થઈ ગયા હતા.
પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ, શહેરના જૂના માર્કેટિંગ યાર્ડ પાસે હાઈવેનું કામ ચાલી રહ્યું છે અને અહીંથી દરરોજ ભારે વાહનો બેફામ ઝડપે પસાર થાય છે. જેને કારણે અહીં અકસ્માત ઝોન બન્યો છે. આજે બપોરના સમયે અહીંથી પસાર થતી ખાનગી લક્ઝરી બસે એકટીવાને ટક્કર મારી હતી.જેને કારણે 24 વર્ષીય યુવતી દિપાલી ચૌહાણનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ.
જે દરમિયાન 108 એમ્બ્યુલન્સને ફોન કરવામાં આવતા તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ હતી અને લોહીલુહાણ હાલતમાં યુવતીને તપાસતા તેને દમ તોડી દીધો હતો.જેથી તબીબોએ યુવતીનું મૃત્યુ થયું હોવાનું જાહેર કર્યું હતુ.આ દરમિયાન આજીડેમ પોલીસ પણ ત્યાં પહોંચી હતી અને અકસ્માત સર્જી યુવતીનું મૃત્યુ નિપજાવતા ખાનગી બસના ડ્રાઈવરની અટકાયત કરી તેને પોલીસ સ્ટેશને લઈ જવાયો હતો. હાલ પોલીસ દ્વારા મૃતક યુવતી અને બસ ડ્રાઈવર અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.