રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં શહેરના યુનિવર્સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પૌત્રના હાથે દાદાની હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે. આજે વહેલી સવારે દાદાના ઘરે પહોંચી પૌત્રએ દાદા અરજણભાઈ મિયાત્રા (ઉ.વ.72) સાથે કોઈ બાબતે ઝઘડો કરી તેમને માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી અને બાદમાં તેમના ફુવાને ફોન કરી દાદા પડી ગયા હોવાની જાણ કરી તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબે તપાસી મૃત જાહેર કરી પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી હતી. ઇજાના નિશાન હોવાથી પોલીસ શંકાના આધારે પૌત્રની સઘન પૂછતાછ હાથ ધરી હતી જેમાં તેણે હત્યા અંગે કબૂલાત આપતા પૌત્ર મોહિત મિયાત્રા સામે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધવા પોલીસે તજવીજ હાથ ધરી છે.
યુવકને મરવા મજબૂર કરતા નોંધાઈ ફરિયાદ રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ફરિયાદી દિપકકુમાર નિષાદના ભાઈ પ્રમોદ દ્વારા ગત તારીખ 06.02.2026ના રોજ ગળેફાંસો આપઘાત કરી લીધો હતો. જેથી, પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન મૃતક યુવાનને અંકિત તુલારામ નામનો શખ્સ શારીરિક અને માનસિક ત્રાસ આપી પ્રમોદ નિષાદ (ઉ.વ.28)ને મારી નાખવા ધમકી આપતા કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. હાલ પોલીસે આરોપી અંકિત તુલારામ વિરુધ્ધ યુવકને મરવા મજબુર કરવાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ જિલ્લામાં પડધરી તાલુકાના ખાખડાબેલા ગામ ખાતે યુવકની હત્યા કેસમાં પોલીસે ગઈકાલે બે આરોપી મહેન્દ્રસિંહ જાડેજા અને યશપાલસિંહ જાડેજાની ધરપકડ કરી તેમની પાસેથી હત્યામાં વપરાયેલ બ્રેઝા કાર અને 3 છરી કબ્જે કરી આજ રોજ 14 દિવસના પોલીસ રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીઓ 6 દિવસના રિમાન્ડ મંજુર કરતા પોલીસ દ્વારા હાલ અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.
આરોપીઓ સાથે હત્યામાં અન્ય કોઈ સામેલ હતું કે કેમ, હત્યા બાદ ક્યાં ક્યાં નાસ્તા ફરતા હતા, કોઈએ આસરો આપ્યો હતો કે કેમ, કોઈએ મદદ કરી હતી કે કેમ અને કાવતરું ક્યારે ઘડ્યું હતું અને શુકામ ઘડ્યું હતું સહિતની દિશામાં તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આરોપીઓ વિરુદ્ધ પડધરી પોલીસ સ્ટેશનમાં 2024 દરમિયાન પોક્સો અને દુષ્કર્મ કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે જેમાં ભોગબનનાર અને મૃતક કાકા ભત્રીજી હોવાથી એ ફરિયાદનો ખાર રાખી આરોપીઓ દ્વારા હત્યાને અંજામ અપ્ય હોવાં પ્રથમ તપાસમાં સામે આવ્યું છે. હત્યા બાદ પોલીસ દ્વારા પોક્સો કેસમાં પણ આરોપીની ધરપકડ કરી કાયદેસરણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.