બ્રિટનના રેડિયો સ્ટેશન ‘રેડિયો કેરોલાઇન’ એ ટેકનિકલ ખામીના કારણે ભૂલથી કિંગ ચાર્લ્સ III ના અવસાનની જાહેરાત કરી દીધી. બાદમાં સ્ટેશને પ્રસારણ ફરી શરૂ કરીને કિંગ અને શ્રોતાઓની માફી માંગી હતી.
રેડિયો કેરોલાઇનના સ્ટેશન મેનેજર પીટર મૂરે સોશિયલ મીડિયા પર જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું કે, મુખ્ય સ્ટુડિયોમાં કોમ્પ્યુટર એરરના કારણે “ડેથ ઓફ અ મોનાર્ક” (રાજાના અવસાનની) પ્રક્રિયા ભૂલથી એક્ટિવેટ થઈ ગઈ હતી. તેમણે ઉમેર્યું કે, આ પ્રક્રિયા બ્રિટનના તમામ રેડિયો સ્ટેશનોમાં કટોકટીની સ્થિતિ (ઇમરજન્સી) માટે તૈયાર રાખવામાં આવે છે.
આ ખોટી જાહેરાત બાદ રેડિયો સ્ટેશન થોડા સમય માટે બંધ થઈ ગયું હતું. આનાથી જ ટીમને ટેકનિકલ ખામીની ખબર પડી, જેના પછી સામાન્ય પ્રસારણ ફરી શરૂ કરવામાં આવ્યું અને ઓન-એર માફી માંગવામાં આવી.