જેતપુરથી પરબધામ દર્શનાર્થે જઈ રહેલું એક મેજિક વાહન ભેસાણ તાલુકાના ભટગામ નજીક પલટી મારી ગયું હતું. આ અકસ્માતમાં વાહનમાં સવાર મુસાફરો માંથી કુલ નવ મુસાફરોને ઈજા પહોંચી હતી. ઘટના બાદ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.
સ્થાનિકોએ વાહનમાં ફસાયેલા ઈજાગ્રસ્તોને બહાર કાઢી રાહત કામગીરી શરૂ કરી હતી. અકસ્માતની જાણ થતાં જ ત્રણ 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ઈજાગ્રસ્તોમાં જલ્પાબેન અશ્વિનભાઈ બારૈયા (ઉ.વ. 20), નયનાબેન પંકજભાઈ લાલકિયા (ઉ.વ. 34), ચેતનભાઈ નરસિંહભાઈ બારૈયા (ઉ.વ. 36), પ્રગતિ પંકજભાઈ લાલકિયા (ઉ.વ. 11), હર્ષ ભરતભાઈ દવે (ઉ.વ. 27), મધુબેન નરસિંહભાઈ બારૈયા (ઉ.વ. 70), જીતેન્દ્રભાઈ વલ્લભભાઈ લાલાણી (ઉ.વ. 53), વર્ષાબેન જીતેન્દ્રભાઈ લાલાણી (ઉ.વ. 52) અને મેઘનાબેન જીતેન્દ્રભાઈ લાલાણી (ઉ.વ. 17)નો સમાવેશ થાય છે.
જેતપુર સરકારી હોસ્પિટલમાં તબીબી તપાસ દરમિયાન પાંચ વ્યક્તિઓને વધુ ઈજાઓ હોવાનું જણાતા તેમને વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા હતા. અન્ય ઈજાગ્રસ્તોની સારવાર જેતપુર સરકારી હોસ્પિટલમાં કરવામાં આવી હતી.