કેનેડામાં ક્રિપ્ટો-શેરબજારમાં રોકાણના નામે 1 કરોડની છેતરપિંડી

રાજકોટમાં કેનેડાની શેરબજાર તથા ક્રિપ્ટોમાં રોકાણ કરવાથી ઊંચું વળતર મળશે તેવી લાલચ આપી યુવાન પાસેથી ભાડૂઆત માતા-પુત્રે રૂ.1 કરોડ ખંખેરી લીધા બાદ પરત ન આપતા 29 વર્ષીય આશાસ્પદ યુવાને આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. નોન વુવન કાપડની થેલીની ઇન્ડસ્ટ્રીઝમાં જોબ કરતા હિતેષભાઇના મોતથી તેમના પત્ની મોસમીબેનનું સર્વસ્વ છીનવાઈ ગયું છે.

લગ્નના બે વર્ષ બાદ જ પતિના મૃત્યુથી પત્ની પર આભ તૂટી પડ્યું છે. જોકે આરોપી ભાડૂઆત માતા જોસનાબેન અને તેના પુત્ર યશ ફરાર છે, ત્યારે આજીડેમ પોલીસે મૃતકના ભાઈની ફરિયાદના આધારે આરોપી માતા-પુત્રને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

પુત્ર યશ અને માતા જોશનાબેન દોઢ-બે વર્ષથી ભાડેથી રહેતા હતા રાજકોટ શહેરના સરદાર ચોક પાસે વીરાણી રેસીડેન્સીમાં રહેતા ધર્મેશભાઈ બારસીતાએ આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ પોતાના નાના ભાઈ હિતેષ બારસીતા સાથે સંયુક્ત પરિવારમાં રહેતા હતા. તેમના મકાનના નીચેના માળે છેલ્લા લગભગ દોઢ-બે વર્ષથી યશ ધીરુભાઈ લુણાગરીયા અને તેની માતા જોશનાબેન ભાડેથી રહેતા હતા.

ક્રિપ્ટોમાં રોકાણથી ઊંચું વળતરની લાલચ આપી ફરિયાદ મુજબ, યશ અને તેની માતાએ હિતેષને કેનેડાની શેરબજાર તથા ક્રિપ્ટોમાં રોકાણ કરવાથી ઊંચું વળતર મળશે તેવી લાલચ આપી હતી. શરૂઆતમાં હિતેષે રૂ. 1 લાખ આપ્યા હતા. જે બાદમાં પરિવારના દબાણથી પરત મેળવી લેવાયા હતા. જોકે ત્યારબાદ ફરિયાદીની જાણ બહાર ફરીથી વિવિધ રીતે સમજાવીને હિતેષ પાસેથી તબક્કાવાર આશરે રૂ. 1 કરોડ જેટલી રકમ મેળવી લેવામાં આવી હોવાનો આક્ષેપ છે.

સોનુ-વાહન ગિરવે મૂકી લોન લીધી હતી આ રકમ મેળવવા માટે હિતેષે પોતાનું આશરે 163 ગ્રામ સોનું ગીરવે મૂક્યું, વાહન પર લોન લીધી, મિત્રો તથા સાસરીયા પાસેથી ઉછીના લીધા અને વિવિધ ફાઇનાન્સ કંપનીઓમાંથી પણ લોન લીધી હતી. બાદમાં પત્ની મોસમીબેનના જણાવ્યા અનુસાર વધુ રૂ.40 લાખ જેટલી રકમ પણ લોન અને સોનું ગીરવે મૂકીને યશને આપવામાં આવી હતી. રોકાણનું વળતર કે મૂળ રકમ પરત માગતા યશ અને તેની માતા સતત વાયદા કરતા રહ્યા પરંતુ પૈસા પરત આપ્યા નહીં. આ દરમિયાન હિતેષ ભારે માનસિક તણાવમાં રહેવા લાગ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *