ગુજરાત ટાઇટન્સે ચેન્નઈ સુપર કિંગ્સને 89 રનના વિશાળ અંતરથી હરાવ્યું છે. ગુરુવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ટૉસ હારતા પહેલા બેટિંગ કરવા ઉતરેલી ગુજરાતે સાઈ સુદર્શન, શુભમન ગિલ અને જોસ બટલરની અડધી સદીની ઇનિંગ્સની મદદથી 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 229 રન બનાવ્યા હતા.
જવાબમાં ચેન્નઈની ટીમ 13.4 ઓવરમાં માત્ર 140 રન જ બનાવી શકી અને ઓલઆઉટ થઈ ગઈ. તેમના તરફથી શિવમ દુબેએ 17 બોલમાં 47 રનની ઇનિંગ્સ રમી હતી. આ દરમિયાન સિરાજ, રબાડા અને રાશિદ ખાને 3-3 વિકેટ ઝડપી હતી. આ હારની સાથે જ ચેન્નઈની પ્લેઑફમાં રેસમાંંથી બહાર થઈ ગઈ છે.
ગુજરાત તરફથી ત્રણ બેટર્સ ફિફ્ટી ફટકારી
ગુજરાત માટે સાઈ સુદર્શને 53 બોલમાં 84 રનની શાનદાર ઇનિંગ્સ રમી, જેમાં 7 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા. કેપ્ટન શુભમન ગિલે પણ 37 બોલમાં 64 રન બનાવ્યા અને બંનેએ પહેલી વિકેટ માટે 125 રનની ભાગીદારી કરી.
છેલ્લી ઓવરોમાં જોસ બટલરે 27 બોલમાં અણનમ 57 રન ફટકાર્યા. બીજી તરફ વોશિંગ્ટન સુંદરે 3 બોલમાં 7 રન બનાવ્યા. ચેન્નઈ માટે મુકેશ ચૌધરી, સ્પેન્સર જ્હોન્સન અને અંશુલ કંબોજે એક-એક વિકેટ લીધી હતી. જ્યારે GTનો રાહુલ તેવટિયા રનઆઉટ થયો હતો.