14 વર્ષીય સગીરાનો ગળેફાંસો ખાઈ આપઘાત

રાજકોટમાં આપઘાતની વધુ બે ઘટના સામે આવી છે. જેમાં લાલપરી વિસ્તારમાં રહેતી 14 વર્ષની સગીરાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પ્રાથમિક તપાસમાં રાત્રે મોડે સુધી સગીરા મોબાઇલ ફોન જોતી હતી અને સવારે મોડી ઉઠતી હોય જેથી દાદીએ ઠપકો આપ્યો હતો. જેથી માઠું લાગી આવતા અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. જયારે બીજા બનાવમાં સાધુવાસવાણી રોડ ઉપર રહેતા 34 વર્ષના યુવકે ધંધામાં મંદી આવતા આર્થિક ભીંસથી કંટાળી ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

સગીરાએ ઓઢણી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો ગ્રીનલેન્ડ ચોકડી પાસે લાલપરી શેરી નંબર 1માં રહેતી મુસ્કાન રાજા (ઉં.વ.14) ગઈકાલે સાંજે 7.30 વાગ્યે પોતાના ઘરે ઓરડીમાં હતી. ત્યારે લાકડાની આડીમાં ઓઢણી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનોને જાણ થતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અહીં ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કરતા બનાવ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

મોબાઈલ બાબતે દાદીએ ઠપકો આપ્યો હતો પોલીસ તપાસમાં મુસ્કાન બે ભાઈની એકની એક બહેન હોવાનું સામે આવ્યું છે અને તેના પિતા રજાકભાઈ રીક્ષા ચલાવતા હોવાનું અને માતા રેશ્માબેન પારકા ઘરના કામ કરીને ઘરનું ગુજરાત ચલાવે છે. મુસ્કાન ધોરણ 9માં અભ્યાસ કરતી હતી તેને રાત્રે મોડે સુધી મોબાઈલ જોવાની ટેવ હતી અને સવારે મોડી ઉઠતી હતી. આ બાબતને લઈને તેના દાદીએ મુસ્કાનને ઠપકો આપ્યો હતો જેનું લાગી આવતા આ પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે.

કપડાના ધંધામાં મંદીએ યુવકનો જીવ લીધો બીજા બનાવમાં સાધુ વાસવાણી રોડ ઉપર નીલકમલ પાર્કમાં રહેતા કલ્પેશભાઈ કોરીંગા (ઉ.વ.34) ગઈકાલે રાત્રે 11.30 વાગ્યા આસપાસ પોતાના ઘરે હતો ત્યારે ગળાફાંસો ખાઈ લીધો હતો. તત્કાલ તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ અહીં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરતા યુનિવર્સિટી પોલીસની ટીમેં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ તપાસમાં કલ્પેશ બે ભાઈ અને એક બહેનમાં નાનો હોવાનું સામે આવ્યું છે. તે પુષ્કરધામ રોડ ઉપર કપડાની દુકાન ચલાવતો હતો. છેલ્લા ત્રણ મહિનાથી ધંધામાં ખૂબ જ મંદી ચાલતી હતી. જેથી તે ચિંતામાં મુકાયો હતો અને આ કારણે તેણે પગલું ભરી લીધું હોવાનું અનુમાન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *