રાજકોટ શહેરના વોર્ડ નંબર 17 માં આવેલા આનંદનગર મેઈન રોડ પર તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. આ મુખ્ય માર્ગ પર છેલ્લા 2 દિવસથી કુંડી ખુલ્લી હાલતમાં પડી છે, પરંતુ સ્થાનિક વહીવટી તંત્ર હજુ સુધી ઘોર નિંદ્રામાં હોય તેમ આ બાબત તેમના ધ્યાને આવી નથી. અત્યંત ધમધમતા એવા આ રોડ પર કોઈ પણ પ્રકારની આડશ વગર ખુલ્લી રાખવામાં આવેલી કુંડીના કારણે વાહનચાલકો અને રાહદારીઓ માટે મોટું જોખમ ઊભું થયું છે. આનંદનગર મેઈન રોડ પર પ્રખ્યાત શુભમ સ્કૂલ આવેલી છે, જેમાં આશરે 3000 જેટલા નાના-મોટા બાળકો અભ્યાસ કરે છે. શાળાએ આવતા-જતા માસૂમ બાળકો અને તેમના વાલીઓ માટે આ જ મુખ્ય માર્ગ છે. આ ઉપરાંત, મુખ્ય કનેક્ટિંગ રોડ હોવાના કારણે અહીં દિવસ અને રાતના સમયે સ્થાનિક લોકોની સતત મોટા પ્રમાણમાં અવર-જવર રહે છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે મહાનગરપાલિકાનું તંત્ર કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ, ચૂંટણી જીત્યા બાદ નવા આવેલા કોર્પોરેટરો પણ આ વિસ્તારની સમસ્યાઓ પ્રત્યે ઉદાસીન જણાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વહેલી તકે આ ખુલ્લી કુંડી બંધ કરવામાં આવે તેવી માંગ લોકોમાં ઉઠી છે.
રાજકોટના વોર્ડ નં. 14 માં આવેલા જાહેર બગીચાઓ સફાઈના અભાવે હાલ ગાર્ડનના બદલે ડમ્પિંગ યાર્ડ બન્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જેમાં 80 ફૂટ રોડ પર શેઠ હાઈસ્કૂલની સામે આવેલો વાણીયાવાડીનો બગીચો (રવિશંકર મહારાજ જાહેર ઉદ્યાન), ભક્તિનગર સોસાયટી શેરી નંબર 5 નો બગીચો અને કેવડાવાડી મેઇન રોડના ખૂણે આવેલ પવનપુત્ર ચોકના બગીચાનો સમાવેશ થાય છે. આ બગીચાઓમાં નિયમિત સફાઈ થતી ન હોવાથી બેસુમાર ગંદકી, એઠવાડ, બિનજરૂરી પાંદડાઓ અને ડાળીઓનો કચરો ખૂણામાં ઠલવાતા ડુંગર જેવા ગંજ ખડકાયા છે. હાલ ઉનાળાની સિઝન અને વેકેશન હોવાથી સાંજના તેમજ રાત્રિના સમયે બાળકો અને વાલીઓની ભારે ભીડ રહે છે, ત્યારે આ ગંદકીના કારણે બાળકોના આરોગ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે. આ ગંભીર બાબતે લોક સંસદ વિચાર મંચના ગજેન્દ્રસિંહ ઝાલાએ કોલ સેન્ટરમાં ફરિયાદો નોંધાવવા ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર, ગાર્ડન ડિરેક્ટર અને કોર્પોરેટરોને ફોટા સાથે લેખિત રજૂઆત કરી છે. અને માત્ર સાવરણા લઈને ફોટા પડાવતા નેતાઓ આ બગીચાઓમાંથી કચરો ઉપડાવી સાચી સફાઈ કરાવે તેવી માંગ કરવામાં આવી છે.