રાજકોટમાં તા.5 થી 7 જૂન બાબા બાગેશ્વરની સનાતન સેતુ હનુમંત કથા અને દિવ્ય દરબાર યોજાશે

રાજકોટમાં આગામી જૂન મહિનામાં એક ખૂબ જ મોટું અને ઐતિહાસિક ધાર્મિક આયોજન થવા જઈ રહ્યું છે. દેશ અને વિદેશમાં સનાતન ધર્મનો ધ્વજ ફરકાવતા રહેલા બાગેશ્વર ધામ (છતરપુર, એમપી) ના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી (બાબા બાગેશ્વર) આગામી મહિનાની તા.5, 6 અને 7 જૂનના રોજ બીજીવાર રાજકોટ આવી રહ્યા છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં રોજ સાંજે 7:30 વાગ્યે સનાતન સેતુ હનુમંત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટના આંગણે ત્રણ વર્ષ બાદ યોજાઈ રહેલા આ ઐતિહાસિક આયોજન માટે અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બાબા બાગેશ્વરની સનાતન હનુમંત કથાની સાથે સાથે અહીં ભવ્ય દિવ્ય દરબારનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ સમગ્ર આયોજન અંગે સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં સૌરાષ્ટ્ર સનાતન સમિતિના અધ્યક્ષ અને ડુનેક્ષના કિશોરભાઈ ખંભાયતાએ જણાવ્યું હતું કે, પોતે બાગેશ્વર ધામ સાથે વર્ષોથી જોડાયેલા છે અને દર મહિને કે બે મહિને મહારાજશ્રીના દર્શનાર્થે ત્યાં જતા હોય છે. તેમણે રાજકોટ માટે કથા આપવા અંગે મહારાજશ્રીને વિનંતી કરી હતી. શરૂઆતમાં સમયની વ્યસ્તતાને કારણે તારીખો મળવી મુશ્કેલ હતી, પરંતુ પહેલા ચાલુ મહિનાની તા.15, 16 અને 17 તારીખો ફાળવવામાં આવી હતી. ત્યારબાદ અનિવાર્ય કારણોસર તે તારીખો કેન્સલ થઈ હતી અને હવે આગામી જૂન મહિનાની તા.5, 6 અને 7 એમ ત્રણ દિવસ માટે કથાની નવી તારીખો મંજૂર કરવામાં આવી છે.

કિશોરભાઈ ખંભાયતાએ વધુમાં જણાવ્યું કે, પહેલા હું આ કથાનું આયોજન બાગેશ્વર ધામમાં જ કરવાનો હતો, કારણ કે ત્યાં તેનાં પોતાના માણસો અને આખી કમિટીની વ્યવસ્થા હોય છે. પરંતુ જ્યારે આ અંગે રાજકોટ અને સૌરાષ્ટ્રના અમારા ગ્રુપના મિત્રો અને ભાઈબંધોને ખબર પડી, ત્યારે બધાએ આગ્રહ કર્યો કે કિશોરભાઈ આ કથા રાજકોટમાં જ કરો, અમે બધા તમને પૂરેપૂરો સહકાર આપીશું. મિત્રો અને ટીમની લાગણીને માન આપીને જ આખરે આ ભવ્ય કથાનું આયોજન રાજકોટના આંગણે રેસકોર્સ મેદાનમાં રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *