દારૂમાં માંકડ મારવાની દવા ભેળવી બે લોકોની હત્યા કરાયાનો ઘટસ્ફોટ

રાજકોટની ભગીરથ સોસાયટીમાં એક 50 વર્ષના આધેડ અને તેના 43 વર્ષના મિત્રએ દેશી દારૂ પીધા બાદ બંને ઘટનાસ્‍થળે જ મોત નિપજતાં ચકચાર મચી જવા પામી હતી.જેમાં મૃતક આધેડના પુત્રએ આક્ષેપ કર્યો હતો કે ભગીરથ સોસાયટીમાં જ રહેતાં જીણા ભગત નામના શખ્સે તેના પિતા સાથે મનદુઃખ માટે ઝેરી પદાર્થ ભેળવી દારૂ પીવડાવી પિતા અને પિતાના મિત્રને મોતને ઘાટ ઉતારી દીધા છે. જેને લઇ પોલીસે બન્નેના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે ખસેડીને મોતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.

જેમની સામે આક્ષેપ છે તે જીણા ભગતને સકંજામાં લઇ સઘન પુછતાછ હાથ ધરી હતી. જેમાં અગાઉ મૃતક મનસુખભાઈએ પોલીસને જીણાનું ઘર બતાવ્યાનો ખાર રાખી દેશી દારૂ મંગાવી તેમાં માંકડ મારવાની દવા ભેળવી તેની હત્યા કર્યાનો ખુલાસો થયો છે. આ દરમિયાન આરોપીએ ગઈકાલે રાત્રીના પોલીસ સ્ટેશનમાં જ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આરોપી સામે પોલીસે અલગથી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી હાલ આરોપી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

રાજકોટ નજીક નવાગામ રહેતાં મનસુખભાઇ રણછોડભાઇ ડાભી (ઉ.વ.50) રવિવારે(18 મે) રાત્રે 8.45 વાગ્‍યે સંતકબીર રોડ પર ભગીરથ સોસાયટી 10માં આવેલા પોતાના વડીલોપાર્જીત જુના મકાને હતાં, ત્‍યારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં પરંતુ અહિ તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતાં આ ઉપરાંત તેની સાથે જ આ સ્‍થળે તેના મિત્ર અલ્‍પેશભાઇ રાઘવજીભાઇ સાબરીયા (ઉ.વ.43) પણ બેભાન મળી આવતા તેને પણ હોસ્‍પિટલે ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેનું પણ મોત નીપજ્યું હોવાનું તબીબો દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. મૃતક મનસુખભાઇ ડાભીના વડીલોપાર્જીત જુના મકાનને પાડીને નવુ બનાવવાનું કામ ચાલુ કરવાનું હોઇ જેથી તે આ મકાને હતાં જ્યાંથી બંને મિત્રો બાજુ બાજુમાં બેભાન હાલતમાં મળી આવ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *