રાજકોટ LCBએ વેપારી પર હુમલો કરનાર 3 આરોપી મુંબઈથી ઝડપ્યા

રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ગોંડલના એક વેપારી પર જીવલેણ હુમલો કરવાના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને મુંબઈથી ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ છેલ્લા બે મહિનાથી પોલીસને હાથતાળી આપી ફરાર હતા.

આ ઘટના ગોંડલની નાની બજારમાં આવેલી ‘કલા નિકેતન નોવેલ્ટી સ્ટોર’ નામની દુકાન ખાલી કરાવવા અને પચાવી પાડવાના ઈરાદે બની હતી. મુખ્ય આરોપી ભર્ગરાજસિંહ ઉર્ફે બીટુ રાજેન્દ્રસિંહ જાડેજા વેપારી પર દુકાન ખાલી કરવા દબાણ કરતો હતો. વેપારીએ ના પાડતા, આરોપીઓએ વેપારી અને તેમના મિત્ર હરદીપભાઈ પર લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો.

આ હુમલામાં બંને ભોગ બનનારને હાથ-પગમાં ફ્રેક્ચર સહિતની ગંભીર ઈજાઓ થઈ હતી. આ મામલે ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 308(4) સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

ગુનો નોંધાયા બાદ ત્રણેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા અને કોર્ટે પણ તેમના વિરુદ્ધ વોરંટ ઈશ્યુ કર્યું હતું. રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય અને રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ LCBની ટીમો તપાસમાં હતી.

LCB પી.આઈ. જે.પી. રામ અને પી.એસ.આઈ. એચ.સી. ગોહિલની આગેવાની હેઠળની ટીમને હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સિસના આધારે બાતમી મળી હતી કે આરોપીઓ મુંબઈમાં છુપાયેલા છે. બાતમીના આધારે LCBની ટીમ તાત્કાલિક મુંબઈ પહોંચી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *