ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોને ધમકી

ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ડોકટરો અને મેડિકલ સ્ટાફને ધમકાવવા તથા સરકારી ફરજમાં રૂકાવટ ઊભી કરવા બદલ બે વ્યક્તિઓ વિરુદ્ધ ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. હોસ્પિટલના રેસિડેન્ટ મેડિકલ ઓફિસર (R.M.O.) દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

ફરિયાદ અનુસાર, આરોપીઓ અર્જુનભાઈ મહેન્દ્રભાઈ ચૌહાણ અને નવાજ જનવાણી (બંને ગોંડલના રહેવાસી) ‘બાટલા ચડાવવા’ના બહાને વારંવાર હોસ્પિટલ આવતા હતા. તેઓ જુનિયર અને મહિલા મેડિકલ ઓફિસર સહિતના સ્ટાફ સાથે ખરાબ વર્તન કરતા હતા. આ વ્યક્તિઓ ફરજ પરના તબીબોના વીડિયો પણ બનાવતા હતા, જેનો હેતુ સ્ટાફને માનસિક રીતે હેરાન કરવાનો હતો.

પરિસ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે આ વ્યક્તિઓએ મેડિકલ સ્ટાફ સાથે ગાળાગાળી કરી, ઉગ્ર ગેરવર્તન કર્યું અને તબીબોને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી. સરકારી ફરજમાં સતત અવરોધ અને તબીબોની સુરક્ષા જોખમમાં મુકાતા આખરે આ મામલો પોલીસ સુધી પહોંચ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *