દ્વારકામાં અધિક માસના પ્રથમ દિવસે ગોમતી નદીમાં સ્નાન કરતી વખતે બે ભાઈઓ ડૂબી ગયા હતા. આ ઘટનામાં એક ભાઈનો બચાવ થયો છે, જ્યારે રાજકોટનો 21 વર્ષીય યુવાન લાપતા છે જેની શોધખોળ રેકયું ટીમ દ્વારા હાથ ધરાઈ છે.
આજથી પવિત્ર અધિક માસનો પ્રારંભ થયો છે, જેના કારણે ગોમતીઘાટ પર વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી હતી. સ્નાન દરમિયાન એક જ પરિવારના બે યુવાન ભાઈઓ અચાનક નદીના ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા. આસપાસના લોકોએ તેમને ડૂબતા જોઈ બૂમો પાડતા કાંઠા પર અફરાતફરી મચી ગઈ હતી.
સ્થાનિક લોકોની મદદથી એક યુવાનને આબાદ બચાવી લેવામાં આવ્યો હતો. અને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, બીજો 21 વર્ષીય યુવાન નદીના પ્રવાહમાં લાપતા બન્યો હતો. જેની શોધખોળ માટે રેસ્ક્યુ ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે