આર.કે યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં 19 વર્ષીય વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો, ગાંધીગ્રામમાં ગર્ભવતી મહિલાની આત્મહત્યા

રાજકોટના ભાવનગર રોડ પરની આર.કે યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. હોસ્ટેલના સી-વિંગમાં રહીને અભ્યાસ કરતા 19 વર્ષીય વિદ્યાર્થી આયુષભાઈ રુસ્તમભાઈ દરાડેએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. મૂળ પૂણે, મહારાષ્ટ્રના વતની અને હાલ આર.કે યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલ સી વિંગ ભાવનગર રોડ રાજકોટ ખાતે રહેતા આયુષભાઈએ હોસ્ટેલના રૂમમાં જ આ અંતિમ પગલું ભરી લેતા અન્ય વિદ્યાર્થીઓમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.

બનાવ અંગે આજીડેમ ચોકડી વાનના ઇન્ચાર્જ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. આ ઘટનાની માહિતી મળતા જ 108ની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી, જ્યાં ઇએમટી ડોક્ટર ધરતીબેન દ્વારા વિદ્યાર્થીને જોઈ તપાસીને મૃત જાહેર કરાયો હતો. હાલ આજીડેમ પોલીસ સ્ટેશનમાં આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. યુવકે કયા કારણોસર ગળાફાંસો ખાધો તે અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

ગાંધીગ્રામમાં ગર્ભવતી પરિણીતાનો આપઘાત શહેરના ગાંધીગ્રામમાં પરણિતાએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર, અક્ષરનગર-3માં લાખના બંગલા પાસે રહેતા કંવીબેન ચેતરીયા નામની 28 વર્ષીય મહિલાએ પોતાના ઘરે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો. જેને પગલે તેઓને બેભાન અવસ્થામાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ઈમરજન્સી ફરજ પરના ડોક્ટર મિતાલી ગોસાઈએ તપાસીને મહિલાને મૃત જાહેર કર્યા હતા.

મહિલાને 5 માસનો ગર્ભ હતો આ ઘટના અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકી દ્વારા ગાંધીગ્રામ પોલીસને જાણ કરવામાં આવતા લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મહિલાના લગ્નને 9 વર્ષનો સમય થયો હતો અને સંતાનમાં 1 દીકરી હોવાનું તેમજ હાલ 5 માસનો ગર્ભ હોવાનું પણ સામે આવ્યું છે. મૃતક પોતાના સાસુ-સસરાથી અલગ રહેતા હતા. ત્યારે આ આપઘાતનું કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *