જ્યુબિલી શાકમાર્કેટનું કોકડું ગૂંચવાયું, થડા ખાલી નહીં થાય વેપારીઓ મક્કમ

રાજકોટની વર્ષો જૂની જ્યુબિલી શાકમાર્કેટનું રિનોવેશન કરવાનું કોકડું ગૂંચવાયું છે. નવા બાંધકામ માટે જૂની માર્કેટ ખાલી કરવા થડા ધારકોને સોમવાર સુધીનો સમય આપી મનપાએ વૈકલ્પિક જગ્યા ઢેબર રોડ પર બાબરિયા કોલોની પાસે ફાળવતા વેપારી મંડળે તેનો વિરોધ કરી અન્ય સ્થળે જગ્યા આપો પછી થડા ખાલી કરવાની માંગ સાથે આજ રોજ ડે.કમિશરનરને ઉગ્ર રજૂઆત કરી હતી.

વેપારીઓએ રજૂઆતમાં જણાવ્યું છે કે, વૈકલ્પિક વ્યવસ્થા વિના ડિમોલિશન અસ્વીકાર્ય છે. વેપારીઓના જણાવ્યા અનુસાર, મનપા તંત્ર દ્વારા અદ્યતન માર્કેટના બાંધકામ સમય દરમિયાન વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે વેપારીઓને ઢેબર રોડ પર આવેલી બાબરિયા કોલોની પાસે જગ્યા ફાળવવામાં આવી છે.

જોકે, આ જગ્યા મૂળ જ્યુબિલી માર્કેટ વિસ્તારથી ખૂબ જ દૂર આવેલી હોવાથી વેપારીઓએ તેને સદંતર ફગાવી દીધી છે. વેપારી આગેવાનોએ ડે.કમિશનર સમક્ષ દલીલ કરી હતી કે, આટલી દૂર જગ્યા ફાળવવાથી તેમનો દાયકાઓ જૂનો ગ્રાહકવર્ગ સંપૂર્ણપણે તૂટી જશે. પરિણામે, સેંકડો પરિવારોના મોંમાંથી આજીવિકાનો કોળિયો છીનવાઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *