રાજકોટમાં નર્સિંગનો અભ્યાસ કરતી યુવતીએ ભાવનગરમાં પુત્રીને જન્મ આપ્યો: પ્રેમીએ લગ્નનો ઇનકાર કરી તરછોડી

સોશિયલ મીડિયા પર થયેલી મિત્રતા જીવનભરનું દુઃખ બની જાય તેવો વધુ એક બનાવ નોંધાયો છે. ગીર સોમનાથ જિલ્લાની 23 વર્ષીય યુવતીએ તળાજાના શોભાવડલા ગામના રહેવાસી નિકુલ સુરેશ ચૌહાણ(ઉં.વ.20) વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પ્ર-નગર પોલીસે દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ફરિયાદમાં યુવતીએ જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા ઇન્સ્ટાગ્રામ મારફતે નિકુલ સાથે પરિચય થયો હતો. શરૂઆતમાં સામાન્ય વાતચીત બાદ બંને વચ્ચે મોબાઈલ નંબરની આપ-લે થઈ હતી અને સતત સંપર્કમાં રહેતા પરિચય પ્રેમસંબંધમાં પરિણમ્યો હતો.

આ દરમિયાન આરોપીએ યુવતીને લગ્ન કરવાની ખાતરી આપી તેનો વિશ્વાસ જીત્યો હતો.

લગ્નની લાલચ આપી આરોપી તેને રાજકોટ સહિત વિવિધ સ્થળોએ લઈ જતો હતો અને વારંવાર શારીરિક સંબંધ બાંધતો હતો. સંબંધોના પરિણામે યુવતી સગર્ભા બની હતી.

ગત એક માસ પૂર્વે યુવતીએ ભાવનગરમાં પુત્રીને જન્મ આપ્યો હતો. જોકે સંતાનના જન્મ બાદ આરોપીએ પોતાનો રંગ બદલી લગ્ન કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી યુવતી સાથેનો સંબંધ તોડી નાખ્યો હતો. મામલો નોંધાતા પ્રદ્યુમ્નનગર પોલીસે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *