એસટી નિગમ દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરવા માટે રાજકોટ સહિત રાજ્યના 16 વિભાગમાં નવા વાહનોની ફાળવણી કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
નિગમના સૂત્રોના જણાવ્યા અનુસાર, ચાલુ માસના અંત સુધીમાં 251 નવી બસનું લોકાર્પણ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે. જેમાં રાજકોટ ડિવિઝનને 36 નવી બસ ફાળવવામાં આવી છે, જેનાથી વેકેશન દરમિયાન નવા રૂટ શરૂ થવાની પૂરેપૂરી શક્યતા છે.
રાજકોટ ડિવિઝન હેઠળ આવતા તમામ 9 ડેપોના મુસાફરોને આ નવીનતમ સેવાનો લાભ મળશે. નિગમ દ્વારા ફાળવવામાં આવેલી 36 બસનું વિભાજન એક્સપ્રેસ અને મિનિ બસ એમ બે રીતે કરાયું છે.
લાંબા અંતરના રૂટ અને મુસાફરોની સુવિધા માટે 26 નવી એક્સપ્રેસ બસ ફાળવવામાં આવનાર છે. જ્યારે અંતરિયાળ વિસ્તારો અને ટૂંકા રૂટ માટે 10 નવી મિનિ બસના કાફલાનો સમાવેશ થાય છે. આ બસ સીએમ અને ડેપ્યુટી સીએમના હસ્તે ટૂંક સમયમાં જ જનતા માટે ખુલ્લી મુકાશે.
અગાઉ એસટી નિગમના નરોડા વર્કશોપ ખાતે બસ તૈયાર થતી હતી, પરંતુ હવે સમય બચાવવા માટે ખાનગી કંપનીઓને ડાયરેક્ટ બોડી બિલ્ડિંગનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ નવી બસ સંપૂર્ણપણે હાઈટેક અને મુસાફરો માટે આરામદાયક હશે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ ચૂંટણીઓ પૂર્વે પણ 251 વાહન ફાળવાયા હતા, ત્યારે હવે ફરી એકવાર નવા વાહનોના આગમનથી એસટીનો કાફલો વધુ મજબૂત બનશે.