રાજકોટ રેલવે ડિવિઝને માત્ર 3 દિવસમાં અલિયાવાડામાં જૂના પાઇપ પુલના સ્થાને નવો બોક્સ બ્રિજ બનાવ્યો

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા રેલ માળખાને વધુ સુરક્ષિત, મજબૂત અને આધુનિક બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે. જેના કારણે હવે ચોમાસામાં રેલ વ્યવહાર નહીં ખોરવાય અને તેનો લાભ હજારો મુસાફરોને મળશે. અલિયાવાડા યાર્ડમાં સ્થિત જૂના અને જર્જરિત પાઇપ પુલના સ્થાને અત્યાધુનિક RCC બોક્સ બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. પ્રોજેક્ટ અંતર્ગત બ્રિજ નંબર 310, જે અગાઉ માત્ર 400 MM વ્યાસ ધરાવતો પાઇપ પ્રકારનો પુલ હતો, તેને હવે 2×2.54 મીટર સ્પાન ધરાવતા વિશાળ RCC બોક્સ બ્રિજમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે. આ પરિવર્તનથી રેલવે ટ્રેકની ક્ષમતા અને સુરક્ષામાં મોટો સુધારો જોવા મળશે.

વરિષ્ઠ ડિવિઝન વાણિજ્ય પ્રબંધક સુનીલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, આ આધુનિકીકરણનો મુખ્ય હેતુ પાણીના નિકાલની ક્ષમતામાં વધારો કરવો અને રેલવે ટ્રેકની મજબૂતી સુનિશ્ચિત કરવાનો છે. જૂના પુલમાં ડ્રેનેજની વ્યવસ્થા નબળી હોવાથી ચોમાસા દરમિયાન પાણીનો ભરાવો થતો હતો, જેને કારણે રેલવે સંચાલનમાં વારંવાર અવરોધો અને સુરક્ષા સંબંધિત જોખમો ઊભા થતા હતા. હવે નવા RCC બોક્સ બ્રિજના નિર્માણથી પાણીનો નિકાલ સુચારૂ રીતે થઈ શકશે, જે રેલવે ટ્રેકની સ્થિરતા જાળવી રાખવામાં અને સંભવિત અકસ્માતો નિવારવામાં અત્યંત મદદરૂપ સાબિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *