વેરા વળતર યોજનાએ મનપાની તિજોરી છલકાવી

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2026-27 માટે મિલકતવેરા અને પાણી વેરો ભરપાઇ કરવા માટે શરૂ કરવામાં આવેલી એડવાન્સ વેરા વળતર યોજનાને ભવ્ય પ્રતિસાદ મળ્યો છે. તા. 7 એપ્રિલ થી તા. 12 મે સુધીના ટૂંકા ગાળામાં જ કુલ 2,02,078 કરદાતાઓ પાસેથી મનપાની તિજોરીમાં રૂ. 124.18 કરોડની વસૂલાત જમા થઈ છે. વર્ષ 2025-26 દરમિયાન સમાન સમયગાળામાં રૂ. 111.34 કરોડની આવક થઈ હતી, જેની તુલનાએ આ વર્ષે રૂ. 12.84 કરોડનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જેમાં ડિજિટલ પેમેન્ટ તરફ લોકોનો ઝોક વધતા કુલ 1,52,285 કરદાતાઓએ રૂ.89.98 કરોડનો વેરો ઓનલાઇન માધ્યમથી ચૂકવ્યો છે, જ્યારે 49,793 કરદાતાઓએ ચેક કે રોકડ દ્વારા રૂ.33.18 કરોડ ભર્યા છે.

વહેલો વેરો ભરનાર જાગૃત નાગરિકોને પ્રોત્સાહન આપવા માટે મનપા દ્વારા અત્યાર સુધીમાં રૂ. 14.87 કરોડનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. આ વળતર યોજના મુજબ, 31 મે સુધી સામાન્ય કરદાતાઓને 10% અને મહિલાઓને 15% ડિસ્કાઉન્ટનો લાભ મળી રહ્યો છે. ત્યારબાદ 1 જૂનથી 30 જૂન સુધીના ગાળામાં મહિલાઓ માટે 10% અને સામાન્ય કરદાતાઓ માટે 5% વળતર નિર્ધારિત કરવામાં આવ્યું છે. મનપાની વેરા વસૂલાત શાખાએ તમામ મિલકતધારકોને આર્થિક ફાયદો મેળવવા માટે વહેલી તકે આ યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *