ગોંડલના નિવૃત્ત જેટકો કર્મચારી રોજ 28 કિલોમીટર સાઇક્લિંગ કરી આપે છે તંદુરસ્તી જાળવવાનો સંદેશ

આજના આધુનિક યુગમાં જ્યારે લોકો થોડા અંતરે જવું હોય તો પણ વાહનનો ઉપયોગ કરે છે, ત્યારે ગોંડલના ૬૪ વર્ષીય હર્ષદભાઈ ઉપાધ્યાય નવી પેઢી માટે ફિટનેસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. જેટકોમાંથી તાજેતરમાં જ નિવૃત્ત થયેલા હર્ષદભાઈ છેલ્લા ૨૫ વર્ષથી અવિરતપણે સાયકલિંગ કરી રહ્યા છે.

તેઓ રોજનું 28 કિમી સાયકલિંગ કરી અત્યારની પેઢીને જોમદાર ઉદાહરણ પુરું પાડી રહ્યા છે. આજે જ્યારે નાની ઉંમરના યુવાનો પણ હાર્ટ એટેક કે ગંભીર બીમારીનો ભોગ બનીને મોત વહાલું કરી બેસે છે ત્યારે હર્ષદભાઇ તેમના માટે શ્રેષ્ઠ દાખલો પુરો પાડે છે કે શરીરનું સૌષ્ઠવ કેમ જાળવવું અને મજબુત રાખવું.

જોવાની ખૂબી એ છે કે તેઓ હવે નિવૃત્ત થઇ ગયા છે, પરંતુ કોટડા સાંગાણીમાં સારું અને ચોખ્ખું દૂધ મળતું હોવાથી દૂધ લેવા માટે ખાસ તેઓ સાયકલિંગ કરીને લેવા આવે છે. ગોંડલથી કોટડાસાંગાણી સુધી સાઇકલ પર જ આવવાનો તેમનો ક્રમ હર્ષદભાઈ હાલ ગોંડલ ખાતે રહે છે, પરંતુ તેઓ દરરોજ સવારે ગોંડલથી કોટડા સાંગાણી સુધી સાયકલ ચલાવીને આવે છે.

૨૮ કિલોમીટર જેટલું અંતર સાયકલ પર કાપીને તેઓ પોતાની શારીરિક ફિટનેસ જાળવી રાખે છે. આટલી ઉંમરે પણ તેમની સ્ફૂર્તિ જોઈને યુવાનો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે.

હર્ષદભાઈ જણાવે છે કે, ૨૫ વર્ષના આ સાયકલિંગના અભિગમથી તેઓ આજે ૬૪ વર્ષની વયે પણ સંપૂર્ણપણે સ્વસ્થ છે. તેમને કોઈ પણ પ્રકારની બીમારી કે શારીરિક રોગ નથી. શારીરિક તંદુરસ્તી જાળવવા માટે સાયકલિંગ એ શ્રેષ્ઠ કસરત હોવાનું તેઓ માની રહ્યા છે.

વૃદ્ધાવસ્થાના ઉંબરે ઉભેલા લોકો જ્યારે સ્વાસ્થ્યની સમસ્યાઓથી ઘેરાયેલા હોય છે, ત્યારે હર્ષદભાઈ ઉપાધ્યાયનો આ ફિટનેસ મંત્ર સમાજ માટે ખરેખર પ્રેરણાદાયી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *