રાજકોટ અને સમગ્ર ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. તાપમાનનો પારો 44 ડિગ્રીને વટાવી રહ્યો છે ત્યારે તેની સીધી અસર જનજીવન અને ફાયર સર્વિસ પર પડી રહી છે. ઉનાળાની શરૂઆતથી જ આગ લાગવાના બનાવોમાં (ફાયર કોલ) બમણો ઉછાળો જોવા મળ્યો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટ મનપાના ફાયર વિભાગ દ્વારા જનતા માટે મહત્વની એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.
મનપાનાં ફાયર વિભાગમાં નોંધાયેલા આંકડાઓ મુજબ, જાન્યુઆરી 2026માં આગ લાગવાના 74 કોલ નોંધાયા હતા, જે ફેબ્રુઆરીમાં વધીને 79 થયા હતા. જોકે, ગરમી વધતાની સાથે જ માર્ચ 2026માં આ આંકડો સીધો 118 પર પહોંચી ગયો હતો અને એપ્રિલ 2026માં પણ 112 કોલ સાથે આગનો સિલસિલો જારી રહ્યો હતો. અને મે માસની શરૂઆતના દિવસોમાં જ 22 કોલ નોંધાઈ ચૂક્યા છે, જે દર્શાવે છે કે સરેરાશ રોજના 4 જેટલા આગના બનાવો બની રહ્યા છે. આ તપાસમાં ચોંકાવનારી વિગત એ બહાર આવી છે કે, અડધાથી વધુ ઘટનાઓમાં ભારે તાપમાનના કારણે ઓવર હિટીંગ થવાથી એર કન્ડીશનર (AC) સહિતના વીજ ઉપકરણોમાં શોર્ટસર્કિટ થયું હતું.
મનપાનાં ઇન્ચાર્જ ડે. ચીફ ફાયર ઓફિસર અશોકસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી સામે આવેલા મોટાભાગના બનાવોમાં એસી સહિતનાં ઉપકરણોમાં શોર્ટસર્કિટ થવાને કારણે આગ લાગી હોય તેવું સામે આવ્યું છે. હાલ રહેણાંક મકાનોથી લઈ કોમર્શિયલ બિલ્ડિંગ, મોલ અને શોરૂમ જેવા સ્થળોએ અત્યારે દિવસના મોટાભાગના કલાકો દરમિયાન એસી સતત કાર્યરત હોય છે. ઘરોમાં તો એસી અવારનવાર ચાલુ-બંધ કરવામાં આવતું હોય છે, પરંતુ કોમર્શિયલ સ્થળોએ જ્યાં સેન્ટ્રલી એસી સિસ્ટમ હોય છે, ત્યાં કુલિંગ સતત ચાલુ રાખવામાં આવે છે. જ્યારે બહારનું તાપમાન 40 ડિગ્રીથી વધુ હોય ત્યારે મશીનરી અને વાયરિંગ પરનું દબાણ વધી જાય છે, જે આખરે મોટી દુર્ઘટનામાં પરિણમે છે. ત્યારે આવા તમામ ઉપકરણોની રેગ્યુલર સર્વિસ અને મેન્ટેનન્સ કરવું જરૂરી છે.