રાજકોટના ગોંડલ રોડ ચોકડી નજીક ગત સોમવારના રોજ ઇકો અને સ્કોર્પિયો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ઘટના સ્થળ પર જ બે સગા ભાઈઓ શામજીભાઈ અને મગનભાઈ પાટોડીયાના મોત નિપજ્યા હતા જયારે પાંચ જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા જેમાં આજ રોજ વધુ એક વૃધ્ધા ગીતાબેન પાટડીયા (ઉ.વ.60)નું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે અને મૃત્યુ આંક ત્રણ પર પહોંચ્યો છે.
અકસ્માતમાં ઇકો ગાડીમાં સવાર પરિવારના સભ્યો લૌકિક પ્રસંગમાં હાજરી આપી પરત ગરી રહ્યા હતા જયારે સ્કોર્પિયો કાર ભાઈના લગ્ન માટે ભાડેથી લાવવામાં આવી હતી અને દરમિયાન અકસ્માત સર્જાયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. હાલ આજીડેમ પોલીસે વૃધ્ધાના મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
’તારો ભાઈ મારી દીકરીને ભગાડી ગયો છે’ કહી મહિલાના પર હુમલો ફરિયાદી પારુલબેન સોંદરવા સાંજના 6 વાગ્યા આસપાસ પોતાના ઘરે હતા, ત્યારે અચાનક હરેશ પરમાર, સમીર ઉર્ફે પપ્પુ માજોઠી અને એક અજાણ્યા પુરુષે તેમના ઘરમાં પ્રવેશ કર્યો હતો. આ શખ્સોએ કોઈ પણ પ્રકારની વાતચીત કર્યા વગર ગાળાગાળી શરૂ કરી હતી અને જોતજોતામાં ઉગ્ર ઝઘડો કરી પારુલબેનને બેરહેમીથી માર મારવાનું શરૂ કર્યું હતું અને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હુમલાનું મુખ્ય કારણ પારુલબેનના ભાઈ કેવલ સાથે જોડાયેલું હોવાનું સામે આવ્યું છે. હુમલાખોર સમીર ઉર્ફે પપ્પુ માજોઠીએ હુમલો કરતી વખતે આક્ષેપ કર્યો હતો કે પારુલબેનનો ભાઈ કેવલ તેની દીકરીને ભગાડી ગયો છે, જેનો ખાર રાખીને આ હુમલો કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, હુમલાનો ભોગ બનનાર મહિલાનો ભાઈ કેવલ કિશોર સામાન્ય ગુનેગાર નથી, પરંતુ તે કુખ્યાત શામજી મકાની ગેંગનો સક્રિય સભ્ય છે. હાલમાં કેવલ ગંભીર પ્રકારના ગુનાઓ અને ‘ગુજસીટોક’ હેઠળ નોંધાયેલા કેસમાં જેલના સળિયા પાછળ ધકેલાયેલો છે.