રાજકોટનાં 150 ફૂટ રિંગરોડનું નિર્માણ લગભગ 15 વર્ષ પહેલાં થયું હતું. જેમાં પ્રથમ બીઆરટીએસ અને સાયકલ ટ્રેક સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી. જે-તે સમયે આ રોડ શહેરના છેવાડે હોવાને લઇ ટ્રાફિકની ખાસ સમસ્યા થતી નહોતી. પરંતુ છેલ્લા 5 વર્ષમાં વિકાસ થતા હવે 150 ફૂટનો આ રોડ શહેરની મધ્યમાં આવી ગયો છે. 24 કલાક ટ્રાફિકથી ધમધમતો રહે છે. એટલું જ નહીં ચોમાસામાં આ રોડ પર અનેક સ્થળે પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી ભોગવવી પડે છે. રોડની સાઈડમાં સાયકલ ટ્રેકમાં પણ દબાણો થઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
હાલ મનપા દ્વારા અંદાજે રૂ. 100 કરોડથી વધુના ખર્ચે આ રસ્તાનું નવીનીકરણ કરવામાં આવનાર છે. જેમાં BRTS ટ્રેકની પહોળાઈ ઘટાડવી, સાયકલ ટ્રેક અને દબાણો દૂર કરવા સહિતનાં મહત્વના ફેરફાર કરવામાં આવશે. ટૂંક સમયમાં આ માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી પૂરતી શકયતા છે.
મહાનગરપાલિકા દ્વારા શહેરના હાર્દ સમા 150 ફૂટ રિંગરોડની કાયાપલટ કરવામાં આવનાર છે. અગાઉ જુના શાસકોના સમયમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં માધાપર ચોકથી ગોંડલ ચોકડી સુધીના 10.5 કિલોમીટરના માર્ગને રી-ડિઝાઇન કરવા દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી. આ માટે સુરતની સરકારી સંસ્થાને સલાહકાર તરીકે રોકવા અને સંપૂર્ણ રીપોર્ટ તૈયાર કરવા મંજૂરી અપાઈ હતી. આ સંસ્થા દ્વારા અમદાવાદના સરખેજ ગાંધીનગર રોડ, SP રિંગ રોડ, સીંધુંભવન રોડ સહિતના રસ્તાની ડિઝાઇન તૈયાર કરાઈ છે. જેના દ્વારા અભ્યાસ કરી બાદમાં રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર સર્વે બાદ કુલ 10.7 કિલોમીટરના માર્ગની નવી ડિઝાઇન તૈયાર કરવામાં આવનાર છે.