પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે કોલકાતામાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું- હું CM પદ પરથી રાજીનામું નહીં આપું. અમે જનાદેશથી નહીં, ષડયંત્રથી હાર્યા છીએ. તેથી રાજીનામું આપવા રાજભવન નહીં જાઉં.
મમતાએ આગળ કહ્યું- ચૂંટણી પંચ અસલી વિલન છે. તેણે ભાજપ સાથે મળીને 100 બેઠકો લૂંટી. હવે મારી પાસે કોઈ ખુરશી નથી, હું આઝાદ પક્ષી છું. ક્યાંયથી પણ ચૂંટણી લડી શકું છું, રસ્તાઓ પર રહીશ.
આ તરફ, કોલકાતાના ન્યૂટાઉન વિસ્તારમાં એક ભાજપ કાર્યકરની માર મારીને હત્યા કરી દેવામાં આવી. આરોપ છે કે, મોટા અવાજે મ્યુઝિક વગાડવા પર TMCના એક કાર્યકર અને તેના સાથીઓએ માર મારીને ભાજપ કાર્યકરનો જીવ લઈ લીધો. ઘટના બાદ વિસ્તારમાં તણાવનો માહોલ છે.
પશ્ચિમ બંગાળ સહિત 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો સોમવારે આવી ચૂક્યા છે. બંગાળમાં ભાજપે 293 માંથી 207 બેઠકો જીતી લીધી છે. પાર્ટી 9 મેના રોજ રાજ્યમાં પહેલીવાર સરકાર બનાવવા જઈ રહી છે. TMC માત્ર 80 બેઠકો જીતી શકી. 15 વર્ષ પછી મમતાના હાથમાંથી સત્તા જતી રહી છે.