ભારતીય સ્ટાર્ટઅપ ગેલેક્સઆઈએ રવિવારે અમેરિકી કંપની સ્પેસએક્સના ફાલ્કન 9 રોકેટથી પોતાનો પહેલો સેટેલાઇટ ‘દ્રષ્ટિ’ લોન્ચ કર્યો. 190 કિલો વજન સાથે દ્રષ્ટિ ભારતનો સૌથી મોટો પ્રાઇવેટ સેટેલાઇટ છે.
દ્રષ્ટિ સેટેલાઇટ એકસાથે ઓપ્ટિકલ અને રડાર (SAR) બંનેથી ફોટા લઈ શકે છે. અત્યાર સુધી દુનિયાના સેટેલાઇટ કાં તો મલ્ટી-સ્પેક્ટ્રલ/હાઇપર-સ્પેક્ટ્રલ (ઓપ્ટિકલ) ઇમેજ લેતા હતા અથવા SAR ટેકનિકનો ઉપયોગ કરતા હતા.
ઓપ્ટિકલ ઇમેજ સ્પષ્ટ અને સમજવામાં સરળ હોય છે. SAR એટલે કે સિન્થેટિક અપર્ચર રડાર ટેકનિક વાદળો, વરસાદ કે રાત્રિમાં પણ ઇમેજિંગ કરી શકે છે. ગેલેક્સઆઈએ આ ટેકનોલોજીને Opto-SAR નામ આપ્યું છે.
દ્રષ્ટિ સંરક્ષણ, ખેતી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, દરિયાઈ દેખરેખ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ જેવા કાર્યોમાં મદદ કરશે. આ સેટેલાઇટ ઇસરો (ISRO) ના 29 અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ્સને સાથ આપશે.
કંપનીના સ્થાપક સુયશ સિંહના જણાવ્યા અનુસાર, પહેલાં સારી માહિતી માટે અલગ-અલગ સેટેલાઇટનો ડેટા જોડવો પડતો હતો. આનાથી અલગ-અલગ સમય અને એંગલની તસવીરો મેળ ખાતી ન હતી. ‘દ્રષ્ટિ’ એક જ સમયે એક જ જગ્યાની સચોટ તસવીર આપશે.
તેમણે જણાવ્યું કે ખરાબ હવામાનમાં ઓપ્ટિકલ ઇમેજ ન મળવા પર કંપની AI થી SAR ડેટાને ઓપ્ટિકલ જેવી તસવીરોમાં બદલી શકે છે. આનાથી દરેક ઋતુ અને દરેક સમયે ઇમેજિંગ શક્ય બનશે.