બોડી લેંગ્વેજ ચેક કરવાના બહાને ડિરેક્ટરે કપડાં ઉતારવા કહ્યું!

એક્ટર મિથુન ચક્રવર્તીની વહુ અને ટીવી શો ‘અનુપમા’માં કાવ્યાનો રોલ ભજવનાર મદાલસા શર્માએ કાસ્ટિંગ કાઉચને લઈને ખુલાસો કર્યો છે. એક્ટ્રેસે જણાવ્યું કે કરિયરના શરૂઆતના દિવસોમાં એક જાણીતા ડિરેક્ટરે તેની ‘બોડી લેંગ્વેજ’ ચેક કરવાના બહાને તેની સામે બિકીની પહેરવાની ડિમાન્ડ કરી હતી. મદાલસા તે સમયે ડિરેક્ટર પર ગુસ્સે થઈ ગઈ અને મીટિંગ છોડીને બહાર નીકળી ગઈ.

મદાલસા શર્માએ તાજેતરમાં ‘ધ મેલ ફેમિનિસ્ટ’ પોડકાસ્ટમાં પોતાની આપવીતી સંભળાવી. તેણે જણાવ્યું કે આ ઘટના ત્યારે બની હતી જ્યારે તેની ઉંમર ફક્ત 19 વર્ષની હતી. એક જાણીતા ફિલ્મમેકરે તેને ફિલ્મ સંબંધિત મીટિંગ માટે બોલાવી હતી. ડિરેક્ટરે તેને કહ્યું કે તે ફિલ્મ માટે એવી છોકરી શોધી રહ્યા છે જે પડદા પર બિકીની પહેરવામાં સહજ હોય. મદાલસાએ જણાવ્યું કે પ્રોફેશનલ રીતે તેને આમાં કોઈ વાંધો નહોતો, તેથી તેણે હા પાડી દીધી.

વાતચીત દરમિયાન ડિરેક્ટરે મદાલસાને કહ્યું કે તે અત્યારે તેની સામે બિકીની પહેરીને બતાવે, કારણ કે તે તેની ‘બોડી લેંગ્વેજ’ જોવા માંગે છે. આના પર મદાલસાએ કડક વલણ અપનાવ્યું. તેણે ડિરેક્ટરને કહ્યું, ‘હું એક પ્રોફેશનલ એક્ટ્રેસ છું. જો ફિલ્મના સીનની માંગ હોય, તો હું કેમેરા સામે બિકીની કે કંઈ પણ પહેરવા તૈયાર છું કારણ કે તે મારી જોબનો ભાગ છે. પરંતુ તમારી સામે આ રીતે કપડાં પહેરવા એ મારા કામનો ભાગ નથી.’ મદાલસાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો તેની પ્રતિભા પર ભરોસો હોય તો કાસ્ટ કરે, નહીં તો તેને બહાર જવાનો રસ્તો ખબર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *