ભગવતીપરામાંથી નશેડી 969 ગ્રામ ગાંજા સાથે ઝડપાયો, નશો કરવા લાવ્યાનું રટણ

શહેર પોલીસે ભગવતીપરા વિસ્તારમાં દરોડો પાડી પ્રહલાદસિંહ ઉર્ફે ભયલુ ઉર્ફે ચીકી નામના શખ્સને 969 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો છે. પોલીસની પૂછતાછમાં આરોપીએ એવું રટણ કર્યું છે કે, તે 15 દિવસ પહેલા જૂનાગઢ ગિરનાર ફરવા ગયો હતો ત્યારે ત્યાં કોઈ સાધુ પાસેથી આ ગાંજો લઈને આવ્યો હતો.

બી-ડીવીઝનના હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ જાડેજાને સચોટ બાતમી મળી હતી કે, ભગવતીપરામાં રહેતો પ્રહલાદસિંહ જથ્થા સાથે મોડર્ન સ્કૂલ પાસેના ખુલ્લા પટમાં આવવાનો છે. પોલીસે વોચ ગોઠવી પ્રહલાદસિંહ ઉર્ફે ભયલુ ઉર્ફે ચીકી (ઉ.વ. 26) ને અટકાવી તલાશી લેતા તેના પેન્ટના ખિસ્સામાંથી કાળા કલરનું ઝબલું મળી આવ્યું હતું.

પોલીસને શંકાસ્પદ પદાર્થ મળતા તાત્કાલિક એફએસએલની મદદ લેવામાં આવી હતી.

એફએસએલ રિપોર્ટમાં આ પદાર્થ ગાંજો હોવાનું પુરવાર થતા પોલીસે રૂ. 4,845ની કિંમતનો 969 ગ્રામ ગાંજો, માટીની ચલમ અને માચીસ કબજે કર્યા હતા. પોલીસે આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રહલાદસિંહ ઉર્ફે ભયલુ અગાઉ ગાંજો કે અન્ય માદક પદાર્થો લઇ આવ્યો હતો કે કેમ તે માત્ર માદક પદાર્થનું સેવન જ કરતો હતો કે તેનું વેચાણ કરતો હતો? અને જો વેચાણ કરતો હોય તો તેના ગ્રાહકો કોણ-કોણ હતા તે પણ તપાસના મુદ્દા બન્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *